પીએનબી કૌભાંડ : આરબીઆઈના કેટલાક અધિકારીઓનાં માથાં વઢાશે


18 મેએ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે

મુંબઈ, તા. 15 મે
નીરવ મોદી કૌભાંડમાં પીએનબીના ભૂતપૂર્વ અને અલહાબાદ બૅન્કના વર્તમાન સીઈઓ ઉષા અનંથ સુબ્રહ્મણયની સામે સીબીઆઈએ ચાર્જશીટ નોંધાવ્યા પછી આ કૌભાંડમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવા વિષે તપાસ ચાલી રહી છે. સીબીઆઈ 18 મેએ જે પૂરક ચાર્જ શીટ દાખલ કરશે, જેમાં અધિકારીઓ ઉપર પણ તલવાર તોળાઈ રહી છે. આરોપનામામાં પીએનબીના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટરો- કેવી બ્રહ્માજીરાવ અને સંજીવ શરણ તથા જનરલ મેનેજર (આંતરરાષ્ટ્રીય કામગીરીઓ) નેહલ અહદનાં નામ અપાયા છે. 
સીબીઆઈએ ત્રણ અલગ કેસ દાખલ કર્યા છે. જેમાં સ્વિફ્ટ (સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબૅન્ક ફાઈનાન્સિયલ ટેલિકમ્યુનિકેશન્સ ) સિસ્ટમનો દુરઉપયોગ કરવાના કેસનો પણ સમાવેશ છે. આરબીઆઈએ એલઓયુ ક્રેડિટ સુવિધાને બંધ કરી છે. સીબીઆઈએ 7500 પાનાંની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, નીરવ મોદી અને તેના સહયોગીઓએ દ્વારા વિદેશની કંપનીઓમાં ભંડોળની ઉચાપત કરી હતી. 
દરમિયાન ઊંચી એનપીએના પગલે ચાર વધુ સરકાર હસ્તક બૅન્કો આરબીઆઈના ધિરાણ નિયંત્રણ અંતર્ગત આવી શકે છે. અલ્હાબાદ બૅન્ક અને દેના બૅન્ક ઉપરાંત હવે આઈડીબીઆઈ બૅન્ક (એનપીએ રેશિયો 16.02 ટકા), ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (13.08 ટકા), બૅન્ક અૉફ મહારાષ્ટ્ર (12.17 ટકા) અને યુનાઈડેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (11.96 ટકા) ઉપર આરબીઆઈના ધિરાણના નિયંત્રણો આવી શકે છે. 
બૅન્ક તેમના લઘુતમ ન્યૂનતમ મૂડી પર્યાપ્તી રેશિયો જાળવી શકે નહીં, ચોખ્ખી એનપીએ છ ટકાથી વધુ થાય અથવા બે વર્ષ સુધી અસ્ક્યામતમાંથી રિટર્ન નકારાત્મક હોય તો તેથી બૅન્ક પીસીએમાં મૂકાય છે. પીસીએ હેઠળની બૅન્કોને વધુ લોન આપવા ઉપર પ્રતિબંધ હોય છે પીસીએ હેઠળ બૅન્કોને મૂકવાનો હેતુ તેની નાણાકીય અને ક્રેડિટ સ્થિતિ સુધારવાનો હોય છે. 
બૅન્કોને આશા છે કે તેમના જે મોટા ખાતા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) અંતર્ગત રિઝોલ્યુશન પ્રક્રિયામાં છે તેમાંથી તેમને નોંધપાત્ર રિકવરી મળશે. એક સરકારી બૅન્કના કર્મચારીએ કહ્યું હતું કે, એનસીએલટી સિવાય પણ કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારતી હોવાથી પ્રક્રિયામાં વધારે વિલંબ થાય છે.  
આરબીઆઈના પ્રતિબંધને પગલે દેના બૅન્કનો શૅર ઈન્ટ્રાડેમાં આજે 12.5 ટકા ઘટયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer