અમેરિકન ચીજો પર જકાત વધારવાની ભારતની ચીમકી

અમેરિકન ચીજો પર જકાત વધારવાની ભારતની ચીમકી
 
નવી દિલ્હી, તા. 22 મે
ભારતે વિશ્વ વ્યાપાર સંસ્થા (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન - ડબ્લ્યુટીઓ)ને જાણ કરી છે કે જો અમેરિકા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની જકાત વધારવાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો વળતા પગલાં તરીકે ભારત પણ અમેરિકાથી આવતી બદામ, સફરજન અને મોટરબાઈક સહિતની ચીજો પરની જકાતમાં પાંચ ટકાથી 100 ટકા જેટલો વધારો કરશે.
ભારતે કાઉન્સિલ ફોર ટ્રેડ ઈન ગુડ્સને જાણ કરી છે કે તેણે અમેરિકાના પ્રસ્તાવિત પગલાંથી પ્રભાવિત થનારા વેપારની સમકક્ષ જકાત રાહત અથવા જવાબદારીઓ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત રાહતમોકૂફીની અમેરિકાથી આયાત થતી કેટલીક ચીજો પરની જકાતમાં વધારાના સ્વરૂપમાં હશે. આ ઉપરાંત ભારતે એમ પણ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા લેવાતાં પગલાંઓના આધારે વધુ રાહતો અને જવાબદારીઓ મોકૂફ રાખવાનો હક અનામત રાખે છે.
ભારતે અગાઉ અમેરિકાને સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત જકાતના વધારામાંથી પોતાને મુક્ત રાખવાની માગણી કરી હતી. ડબ્લ્યુટીઓના એગ્રિમેન્ટ ઓન સેફગાર્ડ હેઠળ ભારતે આ દરખાસ્ત કરી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 9મી માર્ચે બે જાહેરાતો પર સહીસિક્કા કર્યા હતા. તેમાં કૅનેડા અને મેકિસકો સિવાયના બધા જ દેશોમાંથી આવતા સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા વધારાની જકાત નાખવાની દરખાસ્ત હતી. તેમના પગલાંથી વૈશ્વિક વેપાર સમુદાય ફાટી નીકળવાનો ભય સેવાય છે.
ભારતે કહ્યું હતું કે અમેરિકાએ સંબંધિત દેશોને પરામર્શ કરવા માટે તક આપ્યા સિવાય નિર્ણાયક પગલાં લીધાં છે. ભારત સ્પષ્ટતા કરવા ઈચ્છે છે કે તેના રાહતમોકૂફીના પગલાં અમેરિકાના પગલાંઓથી પ્રભાવિત થનાર વેપારની સમકક્ષ હશે. આ હેતુ માટે રાહતમોકૂફી માટે ચોક્કસ ચીજો પસંદ કરવાનો અને તેમના પરની જકાતમાં યોગ્ય વધારો કરવાનો હક્ક ભારત અનામત રાખે છે. ભારતે કહ્યું છે કે અમેરિકાના પગલાંથી તેની 13.44 કરોડ ડૉલરની સ્ટીલની અને 3.12 કરોડ ડૉલરની એલ્યુમિનિયમની નિકાસને અસર થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer