જાહેર ક્ષેત્રની વધુ છ બૅન્ક પીસીએ હેઠળ આવશે

 
નવી દિલ્હી, તા. 12 જૂન
વધુ છ સરકારી બૅન્ક્સ રિઝર્વ બૅન્કના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) રૂપરેખા હેઠળ આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આમાં પંજાબ નેશનલ બૅન્ક, યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયા અને સિન્ડીકેટ બૅન્કનો સમાવેશ છે એમ જણાવતાં તેમણે કહ્યું કે આને કારણે નબળી બૅન્કની સારી લોનને સક્ષમ ધિરાણદારને વેચવાની નાણા મંત્રાલયની યોજના અમલમાં મૂકવામાં સમસ્યા સર્જાય તેવી ધારણા છે. 
રિઝર્વ બૅન્ક આ બૅન્ક્સ ઉપર આવતા એક મહિનામાં ધિરાણ મર્યાદા મૂકશે તો પીસીએ રૂપરેખા હેઠળની બૅન્ક્સની સંખ્યા 17 થશે. મધ્યસ્થ બૅન્કે મે મહિનામાં અલાહાબાદ બૅન્ક ઉપર ધિરાણ મર્યાદા મૂકી હતી. બૅન્કને અનરેટેડ અને ઊંચા જોખમવાળી લોનમાં ઘટાડો કરવાના નિર્દેશ આપ્યા હતા. દેના બૅન્કને પણ નવી લોન આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. 
નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ બૅન્ક્સ તમામ સૂચનોમાં પાછી નથી પડી એટલે નિયામક થોડી રાહત આપે એવી ધારણા છે. જો બૅન્ક્સ પીસીએ હેઠળ નહીં મૂકાય તો સારી લોનને વેચવાની યોજના પાર પડી શકશે. અધિકારીએ કહ્યું કે, ``સરકાર અને રિઝર્વ બૅન્ક સાથેની વિવિધ ચર્ચામાં બૅન્ક્સે કહ્યું છે કે તેઓ બે-ત્રણ ત્રિમાસિકમાં લોન રિકવર કરી શકશે. રિઝર્વ બૅન્ક પીસીએ હેઠળ મર્યાદા લાગુ કરશે તો ઝડપથી રિકવર કરવાનું મુશ્કેલ બનશે.'' તેમણે કહ્યું કે રિઝર્વ બૅન્ક તેમને થોડી રાહત આપશે.''
અન્ય એક અધિકારીએ કહ્યું કે જો ત્રણ બૅન્ક્સ પીસીએ હેઠળ મૂકવામાં આવે તો બૅન્ક્સનું કન્સોર્શિયમ રચીને સારી લોન વેચવાનું પગલું અમલમાં મૂકી શકાય નહીં. તેમના ઉપર ધિરાણ મર્યાદા હોવાથી તેઓ આ લોન ખરીદી શકે નહીં.
સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એમ. પી. શોરાવાલાએ કહ્યું કે, ``અગાઉથી જ મુસીબતોનો સામનો કરી રહેલી બૅન્ક્સની સારી લોનને હિસાબોમાંથી કાઢીને તેને પરત નહીં મળેલા લેણાંમાં હજુ વધુ ડૂબાડવાનો વિચાર યોગ્ય નથી. સરકાર પાસે કોન્સોલિડેશનની યોજના હોય તો જ આ બાબત યોગ્ય ગણાય.''

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer