મધ્યપ્રદેશના લસણના ખેડૂતો ભાવઘટાડાથી બેહાલ


મંદસોર, તા. 12 જૂન
જે લસણ એક જમાનામાં ખરાબ વર્ષમાં ખેડૂતનો છેલ્લો આશરો ગણાતું હતું તેણે આજે મંદસોર અને નીમચના ખેડૂતોને કફોડી હાલતમાં મૂકી દીધા છે.
`અગાઉ એમ કહેવાતું કે લસણની હાથલારી ભરીને મંડીમાં જાવ અને નવા ટ્રેક્ટરમાં બેસીને પાછા આવો. હવે એમ લાગે છે કે લસણની ખેતીમાંથી ટ્રેક્ટરનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે,' એમ સોની ગામના ખેડૂત સંતોષ રાઠોડ કહે છે. ગયે વર્ષે સોયાબીનમાં નુકસાની કર્યા પછી આ વર્ષે તેણે લસણ વાવ્યું હતું, પણ ભાવવધારાએ તેના અરમાનોનો ભૂકો કરી નાખ્યો છે.
નેશનલ હોર્ટિકલ્ચર રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનમાં સત્તાવાર આંકડા અનુસાર માર્ચથી મે દરમિયાન મંદસૌર અને ઇન્દોરની મંડીઓમાં લસણના ભાવ ગયા વર્ષ કરતાં લગભગ 60 ટકા જેટલા નીચા રહ્યા છે.
આ વખતે લસણનો પાક બમ્પર ઉતર્યો છે અને ભાવાંતર ભુગતાન યોજનામાં પણ તેનો સમાવેશ કરાયો છે. જોકે ત્યાર પછી તેના ભાવ વધુ ઘટ્યો છે.
ખેડૂતોના કહેવા મુજબ લસણ અગાઉ ક્વિન્ટલના રૂા. 2500ના ભાવે વેચાતું હતું. પરંતુ ભાવાંતર ભુગતાન યોજનામાં તેનો સમાવેશ કરાયા પછી તેના ભાવમાં રૂા. 800નો ઘટાડો થયો છે.
રાજ્ય સરકાર ભાવઘટાડા માટે મોટા પાકને જવાબદાર ગણાવે છે, પરંતુ ખેડૂતો ને સ્વીકારવા તૈયાર નથી. `જો મોટા પાકને લીધે ભાવ ઘટી ગયા હોય તો ગયે વર્ષે અમે આટલા જ વિસ્તારમાં વાવણી કરી ત્યારે ભાવ કેમ ઊંચા હતા?' એમ મગરાણા ગામના ખેડૂત ભેરુલાલ પૂછે છે.  તેના સંબંધીઓએ લસણની ખેતી માટે ચંબલની કોતરોમાં જમીન સબલીઝ પર લીધી હતી, પણ આજે તેમને લોન પાછી વાળવાનાં ફાંફાં છે. ઘણાએ તો પોતાનો પાક ખેતરમાં જ સડી જવા દેવાનું પસંદ કર્યું છે, એમ તે કહે છે.
રાજ્ય સરકારે ભાવાંતર ભુગતાન યોજના હેઠળ ક્વિન્ટલ દીઠ રૂા. 800ના ભાવની ગેરંટી આપી છે, પણ વેપારીઓ રૂા. 300થી વધારે આપવા તૈયાર નથી. બાકીના સરકાર પાસેથી લઈ આવવાનું કહે છે, એમ ભેરુલાલ કહે છે. આ યોજનાને લીધે ભરસીઝનમાં પણ અમને સારા ભાવ નથી મળતા એમ તેણે ફરિયાદના સૂરમાં કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer