રાજકોટને મળશે નવું જીઆઈડીસી

રાજકોટને મળશે નવું જીઆઈડીસી

ખીરસરા નજીક જમીનનો સર્વે શરૂ થયો : ઉદ્યોગકારોને રાહત થશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 જૂન
લઘુ ઉદ્યોગોનું હબ ગણાતા રાજકોટમાં 28 વર્ષથી નવી જીઆઇડીસી બની નથી પણ હવે એકાદ બે વર્ષમાં જ ખીરસરા ગામ પાસે નવી જીઆઇડીસી બનાવવા માટે રાજ્ય સરકારે કામગીરી આરંભી દીધી છે.  ખીરસરા-દેવગામના રસ્તે આવેલી જમીનમાં અગાઉ જ્યાં અૉટોમોબાઇલ પાર્ક બનવાનો હતો તે જમીન ઉપર જીઆઇડીસી માટે ચક્રો ગતિમાન થયા છે. 
ખીરસરાથી દેવગામ જવાના રસ્તે 160 હેક્ટર જમીન આવેલી છે. ભૂતકાળમાં આ જમીન અૉટોમોબાઇલ પાર્ક માટે ફાળવેલી હતી પણ તે આકાર ન પામતા હવે આ જમીન સરકારે જીઆઇડીસી બનાવવા ફાળવી છે. જીઆઇડીસીના અધિકારીઓની એક ટીમ રાજકોટ જમીનના નિરીક્ષણ અર્થે આવી છે. એમણે મંગળવારે જમીન જોઇને સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. જીઆઇડીસી જેટલી જમીનમાં વસાહત વિકસાવવા માગશે તેટલી સરકાર આપશે.
ખીરસરા-દેવગામની જમીન ઉપર ઔદ્યોગિક વસાહત રચવા માટે રાજકોટની બન્ને ચેમ્બરો ઉપરાંત ઉદ્યોગપતિઓ દ્વારા 2007થી રજૂઆતો વડે પ્રયત્નો થતા આવતા હતા, તેને આખરે સફળતા મળી છે.
રાજકોટમાં છેલ્લે મેટોડા બાદ કોઇ જીઆઇડીસી બની નથી. જોકે જીઆઇડીસીમાં જમીનના ભાવ કેવા રાખવામાં આવે છે તેના ઉપર તેની સફળતાનો આધાર રહેશે. 
ગુજરાતમાં સૌથી પહેલી જીઆઇડીસી આજી વસાહતમાં બની હતી. એ વખતે ઢેબરભાઇએ એક રૂપિયા જેવા સાવ ટોકન દરથી જમીન આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer