એનએસઈનું કૉમોડિટી એક્સ્ચેન્જ 1 અૉક્ટોબરથી

એનએસઈનું કૉમોડિટી એક્સ્ચેન્જ 1 અૉક્ટોબરથી

મુંબઈ, તા. 11 : નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઈ) એ 1 ઓક્ટોબરથી કોમોડિટી એક્સચેન્જ શરૂ કરવા માટે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ને અરજી કરી છે. આ એક્સચેન્જ શરૂઆતમાં સરળ બિન-કૃષિ કોમોડિટી વાયદા ઉપર ધ્યાન આપશે અને સમયાંતરે કૃષિ-કોમોડિટીના વાયદા શરૂ કરાશે. 
એનએસઈનું આ નવું પગલું એમસીએક્સ સામે મોટો પડકાર છે. સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ ગણાતા એમસીએક્સ ઉપર 90 ટકા બિન-કૃષિ કોમોડિટી વાયદા થાય છે. બીએસઈએ પણ કોમોડિટી ટ્રેડિંગ 1 ઓક્ટોબરથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. 
કોમોડિટી એક્સચેન્જ શરૂ કરવા માટે સેબીની મંજૂરી ઔપચારિકતા હોવા છતાં એનએસઈએ ચોક્કસ પ્રોડક્ટ અને કોન્ટ્રાક્ટ ડિઝાઈન માટે મંજૂરી મેળવવી પડશે. એક્સચેન્જ 1 ઓક્ટોબરે બુલિયન, એનર્જી અને બેઝ મેટલમાં ટ્રેડિંગ શરૂ કરશે. કેટલીક કૃષિ કોમોડિટી માટેની પ્રોડક્ટની મંજૂરી પણ લેવામાં આવશે, એવું સૂત્રોએ કહ્યું હતું.
એનએસઈ એનસીડેક્સમાં 15 ટકા હિસ્સો ધરાવે છે, જે કૃષિ-કોમોડિટી વાયદામાં નિપુણતા ધરાવે છે. સૂત્રોએ કહ્યું કે આનાથી એનએસઈની યોજનાને કોઈ અસર નહીં થાય કારણકે એનસીડેક્સના બોર્ડમાં એનએસઈની કોઈ બેઠક નથી. 
એનએસઈ એમસીએક્સ સાથે મર્જરની વાત કરી રહ્યું હોવાનું જણાવતાં સૂત્રોએ કહ્યું કે આ બાબત હજી ઘણી વહેલી ગણાશે. એક એનલિસ્ટે કહ્યું કે ``જો મર્જરની વાત થઈ રહી હોય તો એક્સચેન્જ શા માટે કોમોડિટી પ્લેટફોર્મ લોન્ચ કરે? વધુમાં લિસ્ટ થયેલી એમસીએક્સનું લિસ્ટ નહીં થયેલા એનએસઈ સાથે મર્જર કરવાની બાબત જટિલ સમસ્યાઓ સર્જે, કારણકે એનએસઈ આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે.''
કોમોડિટી એક્સચેન્જ ક્ષેત્ર છેલ્લાં બે વર્ષથી વેગવાન બની રહ્યું છે. કોમોડિટી નિયામક એકમ ફોર્વર્ડ માર્કેટ્સ કમિશન વર્ષ 2015માં સેબી સાથે મર્જ થયું હતું, જેને પગલે કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ અને ઈક્વિટીઝ માટેના યુનિફાઈડ પ્લેટફોર્મનો માર્ગ મોકળો થયો હતો. 
ગયા વર્ષે સેબીએ બ્રોકર્સને બંને એસેટ ક્લાસમાં ટ્રેડિંગ કરવા માટેનું યુનિફાઈડ લાઇસન્સ આપ્યું હતું. આને પરિણામે કોમોડિટી માર્કેટની પહોંચ વધી હતી અને રોકાણકારો સિંગલ માર્કેર્ટિંગ પુલ દ્વારા ઈક્વિટી અને કોમોડિટીમાં ટ્રેડિંગ કરવા સક્ષમ બન્યા હતા. 
વધુમાં, સેબી ઓક્ટોબરથી ઈક્વિટી ડેરિવેટિવ્સનો ટ્રેડિંગનો સમય વધારીને રાતના 11.55 સુધી કરવાનું છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલી કોમોડિટીઝના કામકાજને જોડી શકાય. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer