ક્રૂડતેલ સાથે ગૅસનું ઉત્પાદન વધતાં ભાવ 3 ડૉલરની અંદર

ક્રૂડતેલ સાથે ગૅસનું ઉત્પાદન વધતાં ભાવ 3 ડૉલરની અંદર

ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 15 જૂન
ક્રૂડ અૉઈલના ઊંચા ભાવે અસંખ્ય અમેરિકન શેલ અૉઈલ ડ્રીલર્સને મદદ જરૂર કરી છે, પણ પ્રાથમિક ધોરણે માત્ર ગેસનું ઉત્પાદન કરતી શેલ ફ્રેકિંગ કંપનીઓને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ભાવવધારાનો લાભ લેવા મોટા ભાગની તેલ કંપનીઓ ઉત્પાદન વધારી રહી છે અને તેની સાથે આડપેદાશ તરીકે ગેસનું પણ ઉત્પાદન વધી રહ્યું છે. આની સીધી અસરરૂપે ગૅસના હાલના નીચા ભાવ પર વધુ દબાણ આવ્યું છે અને પ્રાથમિક ધોરણે ગેસ ઉત્પાદન કરતા શેલ ફ્રેકર્સ ભીંસમાં મુકાયા છે. 31 જાન્યુઆરીથી નેચરલ ગૅસના ભાવ એમબીટીયુ દીઠ ત્રણ ડૉલરની અંદર રહ્યા છે.   
યુએસ નેશનલ વેધર સર્વિસીસ ડેટા સૂચવે છે કે આગામી છથી 10 દિવસ સુધી આખા અમેરિકામાં હવામાન સામાન્યથી વધુ ગરમ રહેશે. સામાન્ય રીતે ગરમ હવામાન નેચરલ ગેસના ભાવને ટેકારૂપ બની રહેતું હોય છે. રિગ કાઉન્ટ એજન્સી બાકર હ્યુજીસના તાજા અહેવાલ મુજબ 8 જૂને પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકન રિગની સંખ્યા ગત સપ્તાહ કરતા એક વધીને 198 થઈ હતી, જે 25 મે પછી સૌથી વધુ હતી. ગત વર્ષની તુલનાએ રિગની સંખ્યામાં 13નો વધારો થયો છે. અમેરિકન રિગની સંખ્યા 2008ની 12 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિક્રમ ઊંચાઈએ 1606 થઈ હતી, જ્યારે સૌથી ઓછી 81 રિગ 26 અૉગસ્ટ 2016ના સપ્તાહમાં હતી. 11 ફેબ્રુઆરી 2016થી અત્યાર સુધીમાં ક્રૂડ અૉઇલના ભાવ 151 ટકા અને નેચરલ ગેસના 45 ટકા વધ્યા છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઈએઆઈ)નાં માસિક ડેટા મુજબ અમેરિકન નેચરલ ગેસનો વેપાર વધીને 50.3 ટકાની ઊંચાઈ પહોંચ્યો છે.
ચીનની સતત વધી રહેલી માંગને પગલે, 2008ની નાણાકીય કટોકટી પછી ગત વર્ષે નેચરલ ગેસ ઉદ્યોગનો વિકાસ સૌથી વધુ ઝડપી ગતિએ થયો હતો. ઊર્જા ક્ષેત્રે આગેવાન કંપની બીપીના જણાવ્યા મુજબ ચીનની માગની સાથોસાથ આખા જગતની ઊર્જા માગનો ધરખમ વિકાસ થયો છે. ઈએઆઈએ આ સપ્તાહે કહ્યું હતું કે બીજા ત્રિમાસિકમાં અમેરિકાનું નેચરલ ગેસ માર્કાટિંગ પ્રતિદિન 1.17 અબજ ક્યુબીક ફૂટ વધીને દૈનિક 87.35 બીસીએફ થયું હતું. એજન્સીએ જૂનના ટૂંકાગાળાના આઉટલુકમાં કહ્યું હતું કે ત્રીજા ત્રિમાસિકમાં એનર્જી માગ દૈનિક 1.09 બીસીએફ વધીને 88.22 બીસીએફ રહેવાનું અનુમાન છે.  
બાજિંગ સરકારે પર્યાવરણ શુદ્ધ રાખવાના હેતુથી કોલસા આધારિત અનેક પાવર પ્લાન્ટ બંધ કરીને નેચરલ ગેસ આધારિત કરી નાખતા, વિશ્વ બજારમાં જે કઈ નેચરલ ગેસ માગ વધી છે, તેમાંનો 33 ટકા માગ વૃદ્ધિ હિસ્સો એકલા ચીનનો છે. ચીનમાં મહત્તમ પાવર પ્લાન્ટ નેચરલ ગેસ આધારિત કરવા છતાં, છેલ્લાં ત્રણ વર્ષથી ઘટી રહેલી કોલસાની માગમાં આ વર્ષે પહેલી વખત વધારો જોવા મળી રહ્યો છે. આ તરફ ભારતની કોલસા માગ વધતા જાગતિક કોલસા વપરાશને પણ પ્રોત્સાહન મળ્યું છે.
યુએસ ઈએઆઈએ ગુરુવારે 8 જૂને પૂરા થયેલા સપ્તાહનો નેચરલ ગેસ ઇન્જેક્શન (સ્ટોક) 96 અબજ ક્યુબીક ફૂટ વધ્યાનું જણાવ્યું હતું. આ અહેવાલ અગાઉ એનાલિસ્ટોએ ઇન્જેક્શન 83થી 93 બીસીએફ વધીને આવશે, એવી શક્યતા દાખવી હતી. જે ગત સપ્તાહમાં 78 બીસીએફ, ગતવર્ષે આ જ સપ્તાહમાં 82 બીસીએફ અને પાંચ વર્ષની આ સપ્તાહની સરેરાશ 91 બીસીએફ હતી. ઈએઆઈ એ આ સાથે અમેરિકાનો કુલ નેચરલ ગેસ સ્ટોરેજ 1.913 ટ્રિલિયન ક્યુબીક રહ્યાનું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer