``ભારત-22 ઈટીએફ''''ની બીજી અૉફર દ્વારા રૂા. 8400 કરોડ મેળવવાનો લક્ષ્યાંક

``ભારત-22 ઈટીએફ''''ની બીજી અૉફર દ્વારા રૂા. 8400 કરોડ મેળવવાનો લક્ષ્યાંક

ભરણું નાના રોકાણકારો માટે બુધવારથી ખૂલશે
 
નવી દિલ્હી, તા.15 જૂન
ભારત-22 એક્સ્ચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)ના બીજા તબક્કાનું ભરણું 19 જૂનથી શરૂ થશે. સરકાર આ ભરણા દ્વારા રૂા. 8400 કરોડ એકત્ર કરવા ધારે છે. ભરણું એન્કર ઈન્વેસ્ટર્સ માટે શનિવારે ખૂલશે. નાના રોકાણકારો માટે 20 જૂનના બુધવારથી શરૂ થશે, જે 22 જૂન સુધી ખુલ્લું રહેશે. રોકાણકારોને ઇસ્યૂ ભાવમાં 2.5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 
સરકારની યોજના ગ્રીન શુ અૉપ્શનથી રૂા. 6000 કરોડ એકત્ર કરવાની છે, સરકારે ભારત-22 ઈટીએફમાં ફોલો ઓન અૉફર દ્વારા મળનારી રકમમાંથી રૂા. 2400 કરોડ જાળવી રાખવાનો વિકલ્પ રાખ્યો છે, એમ નાણામંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું. આ અૉફર દ્વારા મળનારા નાણાંને કારણે કોલ ઇન્ડિયા જેવી કંપનીમાં તેણે જાળવવા પડતા લધુત્તમ રોકાણના નિયમનું પાલન કરી શકશે.
સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં ભારત-22 ઈટીએફ લોન્ચ કર્યો હતો, જેમાં 22 કંપનીઓના શૅર અૉફર કરાયા હતા. આ 22 કંપનીઓમાં જાહેરક્ષેત્ર એકમોના,પીએસયુ બૅન્કોના, આઈટીસી, ઍક્સિસ બૅન્ક અને એલએન્ડટીનો સમાવેશ હતો. સરકારને આ અૉફર દ્વારા રૂા. 32,000 કરોડ મળ્યા હતા પરંતુ તેણે ફક્ત રૂા. 14,500 કરોડ રાખ્યા હતા. 
આ વેળા જે સરકારી કંપનીઓના શૅર અૉફર થશે તે ભારત ઈટીએફ-22 દ્વારા અૉફર થશે, તેમાં ઓએનજીસી, આઈઓસી, એસબીઆઈ, બીપીસીએલ, કોલ ઇન્ડિયા અને નાલ્કો, ભારત ઈલેકટ્રોનિક્સ, એન્જિનિયર્સ ઇન્ડિયા, એનબીસીસી, એનટીપીસી, એનએચપીસી, એસજેવીએનએલ, ગેઈલ, પીજીસીઆઈએલ અને એનએલસી ઇન્ડિયા છે. સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા વર્ષમાં રૂા. 80 હજાર કરોડ એકત્ર કરવા ધારે છે, ગયા વર્ષે સરકારે આ રીતે રૂા. એક લાખ કરોડ મેળવ્યા હતા.
સરકાર રેલવે કન્સલટન્સી કંપની રાઈટ્સમાં 12 ટકા હિસ્સો છૂટો કરશે. આનો આઈપીઓ 20 જૂનના આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer