પડકારો વચ્ચે ઘેરાયેલી ગાંધીધામની લાકડાંની બજાર

પડકારો વચ્ચે ઘેરાયેલી ગાંધીધામની લાકડાંની બજાર

ન્યૂ ઝીલૅન્ડ દ્વારા લાકડાંમાં વેરવામાં આવતી એમબીઆર દવા પરના સૂચિત પ્રતિબંધથી ટિમ્બર ઉદ્યોગ ચિંતામાં
 
ઉદય અંતાણી
ગાંધીધામ, તા. 10 જુલાઈ
જંગલો કાપવા પર પ્રતિબંધ બાદ વિદેશમાંથી ભારતના બંદરો ઉપર લાકડાંની ખૂબ આયાત થાય છે. જોકે એમાં કંડલા મહાબંદરનો સિંહફાળો છે. એ કારણે ગાંધીધામમાં એશિયાની સૌથી મોટી આયાતી લાકડાંની બજાર રચાઇ ગઇ છે. 
ઉદ્યોગે ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયમાં અનેક તડકી-છાંયડી જોઈ છે અને હજુ પણ આ ઉદ્યોગ અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. વધુ પડતો જીએસટી, અૉનલાઈન ટ્રાન્ઝિટ પાસ મેળવવામાં પડતી મુશ્કેલી સહિતના પ્રશ્નો આ ઉદ્યોગને સતાવી રહ્યા છે. તો જેનો વિદેશમાં એમબીઆર દવાના છંટકાવ પર પ્રતિબંધ લદાવાનો છે ત્યારે ભારતમાં આ જ દવાનો આગ્રહ રખાતાં આગામી સમયમાં ઉદ્યોગ સાવ પડી ભાંગે તેવી દહેશત ઉદ્યોગકારોને સતાવી રહી છે. 
સૌપ્રથમ 1985ના અરસામાં ભાવનગર ખાતે આયાતી ટિમ્બરનું જહાજ આવ્યું પણ ત્યાં વિકસી ન શક્યો. બાદમાં 1986ના અરસામાં કંડલા બંદરે સૌપ્રથમ વખત ટિમ્બરનું જહાજ આવ્યું હતું. આજે ત્રણ દાયકા બાદ ઉદ્યોગ અડીખમ થઇ ગયો છે.
વર્ષ 1993માં નોર્થ કસ્ટમર સર્વોચ્ચ અદાલત દ્વારા લાકડાં કાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી કંડલા બંદરે આયાતી લાકડાંના ઉદ્યોગને વિકાસની નવી પાંખો મળી હતી. 1990માં 50 હજાર ઘન મીટર આયાત થયું હતું, હવે 43 લાખ ઘન મીટરે પહોંચ્યું છે.
જોકે, પાછલા પાંચ વર્ષમાં આયાત ઘટી ગઇ છે. આયાતમાં થયેલા ઘટાડાનાં પરિબળોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલી મંદી તેમ જ બૅન્કમાં એલસીનું વધતું માર્જિન કસ્ટમ ડયૂટી ક્લિયરિંગ ઉપરાંત 18 ટકા જેટલો જીએસટી સહિતના કારણ છે. ભચાઉ, ગાંધીધામ, અંજાર અને મુંદરામાં 700 જેટલા લાઈસન્સથી 2000 જેટલી સો મિલ કાર્યરત છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 1 લાખથી વધુ લોકોને આ ઉદ્યોગ રોજગારી પૂરી પાડી રહ્યો છે અને 60થી 70 જેટલી પ્લાયવૂડ ફેક્ટરીઓ ધમધમે છે. 
આફ્રિકાના ગાના, ટ્રેગો, વેનીલા, નાઈજીરિયા, સુદાન, તાન્ઝાનિયા, પનામા, ઈક્વાડોર, હોસારિકા, બ્રાઝિલ, ન્યૂઝીલૅન્ડ, મલેશિયા, હુડુદાસ, લાયબેરિયા, સોનોમન, સાબા સહિતના દેશોમાંથી કંડલા-મુંદરામાં ટિમ્બરની આયાત થાય છે. આયાત થતા ટિમ્બરમાં 40 ટકાથી વધુ ન્યૂઝીલૅન્ડના પાઈન લાકડાંનો સમાવેશ થાય છે. મુંદરા બંદરે મહિને 3થી 4 હજાર કન્ટેનર આવે છે. જ્યારે કંડલા બંદરે મહિને ત્રણથી ચાર મહાકાય જહાજો આવે છે. કંડલાથી રોજ ત્રણસોથી વધુ ટ્રેઈલરો મારફત દેશના રર જેટલા રાજ્યોમાં લાકડાં પહોંચે છે.
ટિમ્બર ઉદ્યોગને સ્પર્શતા સળગતા પ્રશ્નોમાં સૌથી જટિલ પ્રશ્ન ન્યૂઝીલૅન્ડ દ્વારા એમબીઆર દવા પર લાદવામાં આવનારો પ્રતિબંધ છે. ટિમ્બર ઍસોસિયેશનના પ્રમુખ શાંતિલાલ પારખે જણાવ્યું હતું કે, આ સંદર્ભે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે પરંતુ પરિણામ શૂન્ય છે. 
જો કૃષિ મંત્રાલયના પીપીક્યુ વિભાગ દ્વારા કોઈ અન્ય વિકલ્પ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો આ બધા ઉદ્યોગની શું પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના માત્ર ધ્રુજારી ઉપજાવે તેવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer