વરસાદ ખેંચાઈ જતાં ખરીફ પાકનું વાવેતર 14 ટકા ઘટયું

વરસાદ ખેંચાઈ જતાં ખરીફ પાકનું વાવેતર 14 ટકા ઘટયું

નવી દિલ્હી, તા. 10 જુલાઈ
દેશમાં શુક્રવાર સુધીમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતાં 8 ટકા નબળું હોવાથી ખરીફ પાકનું વાવેતર ગયા વર્ષ કરતાં 14 ટકા ઓછું રહ્યું છે. તેમાં ચોખા અને કપાસના પાકને વધુ અસર થઈ છે.
ચોખાનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદની ઘણી અછત રહી છે અને સામાન્ય વાવેતરમાં લગભગ 60 ટકા હિસ્સો ધરાવતા મુખ્ય ખરીફ પાક ડાંગરના વાવેતરને અવળી અસર થઈ છે. વિશેષરૂપે ઉત્તર ભારતનાં મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર 10 વર્ષની સરેરાશ બેન્ચમાર્ક કરતાં ઓછું છે.
જોકે, રવિવારે સરકારે જણાવ્યું હતું કે ગયા વર્ષના 2795.10 લાખ ટનના પાક ઉત્પાદનના નોંધપાત્ર સ્તર કરતાં આ વર્ષે પાક વધુ થશે. વાવેતરમાં રહેલી અછત આગામી સપ્તાહોમાં સરભર થઈ શકે છે. આપણે નિશ્ચિંતપણે ગયા વર્ષના સ્તર કરતાં ઉત્પાદનના આંકને વટાવી જઈશું, એમ કૃષિ સચિવ શોભના પટ્ટનાયકે જણાવ્યું હતું.
ચોખાના અગ્રણી ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં શુક્રવાર સુધીમાં અનુક્રમે સામાન્ય કરતાં 22 ટકા અને 21 ટકા વરસાદ ઓછો થયો છે. જ્યારે ઓડિશામાં 30 ટકા ઓછો વરસાદ છે, એમ હવામાન વિભાગની માહિતી સૂચવે છે.
શમાં ચોમાસાના વરસાદની એકંદર અછત જોઈએ તો પૂર્વ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં 21 ટકા અને મધ્ય ભારતમાં 9 ટકા રહી છે. ગયા મહિને 15 દિવસના વિરામ બાદ નૈઋત્યનું ચોમાસું સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 15 દિવસ વહેલું શરૂ થયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જ્યાં સિઝનનો વરસાદ સૌથી છેલ્લે 15 જુલાઈએ શરૂ થતો હોય છે ત્યાં પણ વરસાદ થયો છે.
શુક્રવાર સુધીમાં બધા જ ખરીફ પાકનો વાવેતર વિસ્તાર 14.17 ટકાના ઘટાડાએ 333.76 લાખ હેકટર રહ્યો છે. ગયા વર્ષની સિઝનમાં 388.89 લાખ હેકટર હતો, એમ કૃષિ મંત્રાલયની માહિતી સૂચવે છે. ચોખાનો વાવેતર વિસ્તાર 15 ટકાના ઘટાડાએ 67.25 લાખ હેકટર, જ્યારે કઠોળનો વાવેતર વિસ્તાર 20 ટકા ઘટીને 33.60 લાખ હેકટર રહ્યો છે.
જાડાં ધાન્યોનું વાવેતર પણ 13.45 ટકા ઘટીને 57.35 લાખ હેકટરમાં, તેલીબિયાંનું 13.42 ટકાના ઘટાડાએ 63.59 લાખ હેકટરમાં થયું છે. રોકડિયા પાક - કપાસનું વાવેતર પણ 24 ટકા ઓછું થઈને 54.60 હેકટરમાં ગયા સપ્તાહ સુધી નોંધાયું છે, જે ગયા વર્ષની સમાન સિઝનમાં 71.82 લાખ હેકટરમાં થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer