રૂપિયાની મંદીથી બ્રાસ પાર્ટ્સ-ટિમ્બર ઉદ્યોગ પર કરોડોનો બોજ

રૂપિયાની મંદીથી બ્રાસ પાર્ટ્સ-ટિમ્બર ઉદ્યોગ પર કરોડોનો બોજ

નિખિલ પંડયા
ગાંધીધામ, તા. 17 જુલાઈ
મહાબંદર કંડલાના આયાત નિકાસના વ્યવહારના મજબૂત તાંતણે બંધાયેલા ગાંધીધામ સંકુલના વેપાર અને ઉદ્યોગો આજકાલ ડૉલરના વધી રહેલા ભાવોથી ભારે ચિંતિત અને અસરગ્રસ્ત છે.  ડૉલરનું મૂલ્ય 70 રૂપિયાને આંબી રહ્યંy છે. રૂપિયો વધુ નબળો પડે તેવી ગણતરી છે તેનાથી નિકાસકાર પેઢીઓના બજેટ ખોરવાયા છે. 
સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ કંડલા બંદર પર ટિમ્બર, ક્રેપ ફર્ટિલાઇઝર જેવી વસ્તુઓ ભારે મોટાપાયે આયાત થાય છે, સામે મીઠું, બેન્ટોનાઇટ અને ચોખાની નિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે.  છેલ્લા કેટલાક સમયથી ડૉલરની સરખામણીએ રૂપિયાના સતત અવમૂલ્યને આયાતકારોને કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે. પહેલી જૂનના ડૉલરનો દર 67.42 રૂપિયાનો હતો, 16મી જુલાઇના 69ને પાર થઇ ગયો છે.  
  માત્ર ટિમ્બરની આયાતની વાત કરીએ તો મહિને લગભગ બે લાખ ઘનફૂટ જેવો માલ કંડલા બંદરે આયાત થતો હોય છે.  સરેરાશ ચાર હજાર રૂપિયાના ભાવમાં ડૉલરનો દર એક રૂપિયો વધતા ઉદ્યોગ પર સીધો 12 કરોડનો બોજો આવ્યો છે. આ ભાવોમાં ફરકની સાથોસાથ ડૉલરમાં ચૂકવાતા ફ્રેઇટમાં પણ બોજો આવે છે, જેને લીધે બોજાનો સરાવાળો તો 15 કરોડને પાર થાય તેવો અંદાજ છે.   
બ્રાસના ક્રેપની પણ કંડલા બંદરે આયાત થાય છે.  મહિને 25 ટનના એક એવા એક હજાર જેટલા કન્ટેનર ઉતરે છે. બ્રાસનો ક્રેપ આશરે ચાર હજાર ડૉલર ટનના ભાવે આયાત થાય છે જેમાં રૂપિયાના અવલમૂલ્યનનો બોજો મસમોટો થાય છે.  ટને લગભગ પાંચ હજારનો ભાવવધારો આ ગણતરીમાં આવી પડયો છે.  25 હજાર ટનની આયાતમાં આ વધારો સાડા બાર કરોડને પાર થઇ જાય છે.   
રૂપિયાના અવમૂલ્યનમાં ગાંધીધામ સંકુલના આયાતકારો રાતોરાત આર્થિક રીતે તકલીફમાં મુકાઇ જતા હોવાનું ચિત્ર સામે આવી રહ્યંy છે. આયાતનું ચૂકવણું વિદેશોમાં થતું હોવાથી આ બોજો દેશમાં સરભર થવાને બદલે તેનો સીધો લાભ નિકાસકાર દેશને થતો હોવાની હકીકત તરફ ધ્યાન દોરતા વર્તુળો કહે છે કે કોઇ એક આયાતકાર ટિમ્બરની આયાત ચોક્કસ ભાવે ડૉલરમાં નક્કી કરે છે.  આ માલ જહાજ વાટે કંડલા પહોંચે તેમાં સહેજે એકથી દોઢ મહિનાનો સમયગાળો લાગી જતો હોય છે.  આ સમયગાળામાં જો રૂપિયાનું અવમૂલ્યન થાય તો નફાને બદલે ખોટની ગણતરી કરવાનો વારો આવતો હોય છે.
આમ તો આયાતકારો ભાવ નક્કી કરતી વેળાએ એક નિયત દરે ડૉલર બુક કરાવી રાખે છે, પણ આ વ્યવસ્થા બેધારી હોય છે એક તો રૂપિયો નબળો પડે તો બચાવ થાય પણ રૂપિયો મજબૂત બને તો નીચા જતા ભાવનો ફાયદો ન મળે. 
ડૉલર મોંઘો થતા નિકાસકારને તેનો ફાયદો મળવો જોઇએ પણ વિદેશી નિકાસકાર આવા સમયે ડૉલરના ભાવના ફરકના લાભમાંથી હક્ક સાથે હિસ્સો સેરવી જતા હોય છે. 
 પરિણામે નિકાસકારો માટે જોઇએ એટલો ફાયદો હોતો નથી.  રૂપિયાના કડાકાના સંજોગોમાં શિપિંગના બિલમાં પણ વધારો થઇ જાય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer