સોના-ચાંદીનો પ્રાઇસ રેશિયો 23 વર્ષની ટોચે

સોના કરતાં ચાંદીના ભાવ વધુ ઝડપે તૂટતા જાય છે

મુંબઈ, તા. 14 સપ્ટે.
સોના-સામે  ચાંદીનો પ્રાઇસ રેશિયા 23 વર્ષની ટોચે જઈ 84.43 થયો છે. આ દર્શાવે છે કે તાજેતરના સમયમાં ચાંદી વધુ પીટાઈ છે. રેશિયો એ પણ દર્શાવે છે કે એક ઔંસ સોના સામે કેટલા ઔંસ ચાંદી ખરીદી શકાય છે. આથી એકબીજાની સરખામણીમાં બન્ને ધાતુની તુલનાત્મક મજબૂતાઈ માપી શકાય છે. ભારત સહિતના અમુક દેશોના વેપારીઓ બન્ને ધાતુ માટે જુદા જુદા મંતવ્યો ધરાવતા હોય ત્યારે તેઓ રેશિયોમાં ટ્રેડિંગ કરે છે.
સોના કરતાં ચાંદીમાં ભાવની ચંચળતા વધુ જોવાય છે. આથી રેશિયો બદલાતો રહે છે. યુએમ સ્થિત માર્કેટ વિશ્લેષણકાર નિગમ અરોરા જણાવે છે કે ઊંચો સોના-ચાંદી રેશિયો કીમતી ધાતુ પ્રત્યે સતત નિરાશાવાદી અભિગમ દર્શાવે છે. ટ્રેડ વોરના કારણે ચાંદીનો ઔદ્યોગિક વપરાશ ઘટતો જાય છે. સોના કરતાં ચાંદીમાં ભાવની વધઘટ ભારે જોવાય છે.
ચાંદીની વિશિષ્ટતા એ છે કે તેનો અડધાથી વધુ વપરાશ ઔદ્યોગિક વપરાશ માટે થાય છે અને તેમાં સોલર ફિલ્મમેકર્સ અગ્રસ્થાને છે. આમ છતાં વૈશ્વિક ઔદ્યોગિક માગ ઘટી છે. આથી સોના કરતાં ચાંદીના ભાવ વધુ ઝડપે તૂટતા જાય છે.
સોના અને ચાંદીના વર્તમાન ભાવે ટ્રેડરો એમસીએક્સ પર તેમની શોર્ટ પોઝિશન વધારવા તૈયાર નથી અને તેઓ ચાંદીની ખરીદી માટે ભાવો ઘટવાની રાહ જુએ છે. ચાંદી વૈશ્વિક ધોરણે પીટાઈ રહી છે.
છેલ્લા એક દાયકામાં ભારતમાં ચાંદીની માગ ત્રણગણી થઈ ગઈ છે. ખાસ કરીને જ્વેલરી અને સિલ્વરવેર ક્ષેત્રની માગ વધી છે.
વૈશ્વિક સ્તરે સોનું માર્કેટ બોટમના સંકેતો દર્શાવી રહ્યું છે.
મુંબઈના વેપારીઓ માને છે કે સોના કરતાં વધુ ઝડપી ગતિએ ચાંદી વધી શકશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer