કંડલા બંદરે ટ્રાફિકમાં વધારો : 501 લાખ ટન માલની હેરફેર

અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીધામ, તા. 18 સપ્ટે.
દીનદયાળ પોર્ટ અર્થાત કંડલા બંદરે ખાતે છેલ્લા પાંચ મહિનામાં 501 લાખ ટન માલ-સામાનની હેરફેર કરાઇ હતી. શરૂમાં ચારથી પાંચ ટકાની વૃદ્ધિ દેખાઇ હતી, જે ચાલુ મહિને આઠથી નવ ટકા સુધી પહોંચી હતી.
ડીપીટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે આજ સુધી 372.67 લાખ ટન માલ- સામાનની આયાત નોંધાઇ હતી, તો. 127.67 લાખ ટનની નિકાસ થઇ હતી. કુલ 501.82 લાખ ટન માલની આવક જાવક થઇ હતી. ગત વર્ષે આ આંકડો 450.98 લાખ ટનનો હતો.
કંડલા ડ્રાય કારગો (કન્ટેનર સહિત) 191.27 લાખ ટનની હેરફેર કરવામાં આવી હતી. જ્યારે પ્રવાહી કારગો 61.31 લાખ ટન હેરફેર કરાયો હતો. કંડલા હસ્તકના વાડીનાર બંદરે પ્રવાહી કારગો 247.76 લાખ ટન જ્યારે ટ્રાન્સશિપમેન્ટ 1.47 લાખ ટન હેન્ડલ થયું હતું.
ક્રૂડ અૉઇલમાં આઇ.ઓ.સી.નું 108.23 લાખ ટન અને એસ્સારનું 79.36 લાખ ટન હેન્ડલિંગ કરાયું હતું. અન્ય કારગોમાં પી.ઓ.એલ., આયર્ન ઓર, ફીન ફર્ટ, થર્મલ કોલ, કાકે કોલ, કન્ટેનર વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક માલના હેન્ડલિંગમાં ઓટ આવી હતી તો કેટલોક માલ-સામાન વધુ હેન્ડલ થયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેશના 12 મહાબંદરોમાં કંડલા માલ-સામાન હેરફેરમાં પ્રથમ સ્થાને રહેતું આવ્યું છે. હાલે વૈશ્વિક મંદીના ગાળામાં પણ તેણે છેલ્લાં બે વર્ષથી 100 મિ. મે. ટન કારગો હેન્ડલિંગ કરીને મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ચાલુ વર્ષે તે 100 મિ. મે. ટનથી કેટલું વધુ કામ કરી શકે છે તે જોવું રહ્યું.
મહાબંદર પ્રશાસન પાસે હાલતુરત નિયમિત અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ પણ નહીં હોવાથી કેટલીક યોજનાઓ વહીવટી સ્તરે આગળ ધપતી નથી. ગત મે 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 997 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત થયું હતું પરંતુ તે કોઇ કામમાં નોંધપાત્ર પ્રગતિ હજુ થઇ નથી. તાજેતરમાં જ શિપિંગ સચિવ ગોપાલ કૃષ્ણએ બે દિવસીય મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. એ પછી હવે વિકાસકાર્યો ઝડપી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer