તાલાલાથી કેસર કેરીની 500 ટનની નિકાસ થઈ

તાલાલાથી કેસર કેરીની 500 ટનની નિકાસ થઈ
જીઆઇ ટેગથી મળ્યો સાધારણ લાભ 
જીઆઇ ટેગને લીધે ખેડૂતોને રક્ષણ મળ્યું પણ કુદરતની થપાટો સામે વીમાનું રક્ષણ નથી 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.9 અૉક્ટો.
આફુસ કે અલ્ફાન્ઝો કેરીને તાજેતરમાં જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન અર્થાત્ જીઆઇ ટેગ મળ્યું છે. એનો લાભ હવે નિકાસ બજારમાં મળે તેવી શક્યતા દેખાવા લાગી છે. જોકે, સૌરાષ્ટ્રના સોરઠ વિસ્તારમાં પાકતી કેસર કેરીને છેક 2011માં જીઆઇ ટેગ પ્રાપ્ત થઇ ગયું હતું. તાલાલા વિસ્તાર કેસરનું ઘર ગણાય છે. જોકે, વિસ્તાર હવે ઘણો વધી ગયો છે. એ અગાઉ ઉત્તરપ્રદેશની દશેરી કેરીને પણ જીઆઇ ટેગ મળેલું છે.
કેસર કેરી જૂનાગઢ અને અમરેલી પંથકના કુલ 18 કરતાં વધારે તાલુકાઓમાં પાકે છે. 20 હજાર કરતાં વધારે હેક્ટરમાં કેસરનો પાક લેવાય છે. આશરે ત્રણેક લાખ ટન કેસર કેરી પાકી રહી છે. જૂનાગઢ અને અમરેલીના કિસાનો હવે ગીરની કેસરનાં નામથી દુનિયાભરમાં કેરી વેંચી શકે છે. આ વિસ્તાર બહારના કોઇ ગીર કેસરનાં નામથી વેંચે તો પેનલ્ટી લાગે છે.
જીઆઇ ટેગને કારણે કેસર કેરીનાં વેચાણમાં ખાસ ઉછાળો હજુ સુધી જોવા મળ્યો નથી. અલબત્ત નિકાસ બજારમાં તાલાલાની કેરી મોટાંપાયે જાય છે. તાલાલા એની મુખ્ય માર્કેટ છે. તાલાલામાં પ્રિકાલિંગ, રાઇપાનિંગ, ગ્રાડિંગ અને લાઇનિંગ મશીનો લગાવવામાં આવ્યા છે. પેક હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.
તાલાલા મેંગો માર્કેટના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયા કહે છે, જૂનમાં પૂરી થયેલી સિઝનમાં તાલાલાથી 500 ટનની નિકાસ કરવામાં આવી છે. નિકાસમાં ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે. આ વર્ષે કુલ 500 ટનમાંથી 80 ટકાની નિકાસ બ્રિટનમાં થઇ છે. 20 ટકામાં અમેરિકા, આરબ દેશો, નોર્વે અને કુવૈત આવે છે. 
ખેડૂતોને કેસર કેરીના ભાવ પણ પાછલા બે-ત્રણ વર્ષથી સરેરાશ પેટીએ રૂા. 200 મળી રહ્યા છે. જેકે, હવે આંબાના પાકમાં કુદરતને લીધે લાગતી થપાટોને લીધે ઉત્પાદન ઉપર ઘેરી અસર પડી છે. ખેડૂતો ય હવે પાક વીમાની માગણી કરવા લાગ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer