હેન્ડલૂમ કાપડની નિકાસ વધારવાની વિપુલ તક

હેન્ડલૂમ કાપડની નિકાસ વધારવાની વિપુલ તક
મુંબઈ, તા. 9 અૉક્ટો.
હેન્ડલૂમના ઉત્પાદનો પર્યાવરણને અનુકૂળ હોય છે તથા મુખ્યત્વે એની પ્રકૃતિ અૉર્ગેનિક હોય છે. જેથી આ ઉત્પાદનોની નિકાસ વધારવા માટે વ્યાપક અવસર છે.
અહીં નહેરુ સેન્ટરમાં એક્ઝિમ બૅન્ક દ્વારા હેન્ડલૂમ પ્રોડક્ટ્સ અને કન્ટેમ્પોરેરી ક્રાફ્રટ્સ પર આયોજિત ``એક્ઝિમ બજાર'' નામના ત્રણ દિવસીય પ્રદર્શનમાં ઇન્ડિયન હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રી : પોટેન્શિયલ ઍન્ડ પ્રોસ્પેક્ટ્સ નામના એક્ઝિમ બૅન્કના અભ્યાસના અહેવાલમાં ઉક્ત તારણ પેશ કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવામાં અને એનું રક્ષણ કરવામાં હેન્ડલૂમ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સ્પિનિંગ, વિવિંગ તથા પ્રિન્ટિંગ કૌશલ માટે કારીગરો વિશ્વવિખ્યાત છે.
વર્ષ 2017-18 દરમિયાન દેશમાંથી હેન્ડલૂમ ઊપજોની નિકાસ 3539 લાખ ડૉલરની થઈ હતી. વૈશ્વિક માગ અને સ્થાનિક પુરવઠાની સ્થિતિના એક વિશ્લેષણથી સંકેત મળે છે કે સમગ્ર વિશ્વમાં હેન્ડલૂમ ઊપજોની માગ સારી છે. જોકે આપણો દેશ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાને યોગ્ય રીતે રજૂ કરવામાં સમર્થ નથી. વર્ષ 2013-14થી 2017-18 સુધીમાં દર વર્ષે નિકાસ ઘટી છે અભ્યાસમાં એવી ઊપજો શોધી કઢાઈ છે જેમાં ભારત પોતાની નિકાસ વધારી શકે છે તથા વૈશ્વિક બજારમાં પોતાનો હિસ્સો વધારી શકે છે.
પર્યાવરણ પ્રત્યે જાગૃત લોકોની વચ્ચે ગ્રીન ક્લોધિંગની મોટી સંભાવનાઓ જોતાં અભ્યાસમાં જણાવાયું છે કે હેન્ડલૂમ ક્ષેત્રએ આ સંભાવનાઓનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ.
ભારતના પર્યાવરણને અનુકૂળ હેન્ડલૂમ ઊપજોને એક નવી બ્રાન્ડના નામ હેઠળ વેચી શકાય છે જે ફેબ્રિકની ગુણવત્તા અને પર્યાવરણ પ્રતિ અનુકૂળતા પર પ્રકાશ પાડી શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer