ખનિજ લોખંડ $ 70નાં જાદુઈ આંકડા નજીક

ખનિજ લોખંડ $ 70નાં જાદુઈ આંકડા નજીક
ચીનનું ઉત્પાદન 40 કરોડ ટનથી ઘટીને માત્ર 24 કરોડ ટન રહ્યું  

ઈબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 9 અૉક્ટો.
ચીનમાં જુલાઈ આયર્ન ઓર આયાતમાં ઉછાળો અને હવામાન શુદ્ધિકરણ સાથે સ્ટીલ ઉત્પાદન ક્ષમતા પર નિયંત્રણો મુકવામાં આવતા બેન્ચમાર્ક 62 ટકા આયર્ન ઓરના ભાવ, છેલ્લા છ મહિનામાં પહેલી વખત ટન દીઠ 70 ડૉલરની નજીક સરકી ગયા છે. હવામાન જાળવણીના હેતુથી નાની સ્ટીલ મિલો દ્વારા સસ્તા સ્ટીલ ઉત્પાદનો પર નિયંત્રણો જેવા સત્તાવાર પગલાંને લીધે મોટી સ્ટીલ મિલોના નફામાં ઉછાળો અને વિક્રમ ઉત્પાદનોથી પ્રોત્સાહિત સ્ટીલના કાચામાલ આયર્ન ઓરના ભાવ, બુધવારે 69.78 ડૉલર બોલાયા હતા.  
એમાં કોઈ શંકા નથી કે ચીનની સ્ટીલ મિલોનાં પુન:ઘડતરનું કામ આટલેથી અટકી જવાનું અને તેનો અર્થ એ પણ નથી કે ઉત્પાદનમાં ઘટાડો આવશે, ચીનના પ્રયાસો ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બજારમાં મુકવાના રહેશે, એમ અૉસ્ટ્રેલીયન ખાણ કંપની રિયો ટીંટોનું કહેવું છે. હાઈ ગ્રેડ 65 ટકા આયર્ન ઓરના પ્રીમિયમ કાબુ બહાર જતા રહેતા મીડિયમ ગ્રેડ 62 ટકા ઓરની માગમાં મોટી વૃદ્ધિની સંભાવના જોઈ, કોમનવેલ્થ બૅન્ક અૉફ અૉસ્ટ્રેલિયાએ 2018-19ના 62% આયર્ન ઓરના સરેરાશ ભાવની આગાહીમાં વધારો કર્યો છે. 30 જૂન 2019એ પૂરા થનાર 12 મહિનાના માટે કોસ્ટ ઍન્ડ ફ્રેટ ચાઈના ભાવ અગાઉની આગાહી 56 ડૉલરથી 9 ટકા વધારીને 61 ડૉલર કર્યા છે.      
જગતની 66 ટકા સી-બોર્ન આયર્ન ઓર વપરાશ અને આયાત ચીન કરે છે. ચીને જુલાઈમાં આયર્ન ઓરની આયાત, જૂનની 832.4 લાખ ટન સામે 899.6 લાખ ટન કરી હતી, જે ગતવર્ષના જુલાઈમાં 886.6 લાખ ટન હતી, એમ ચીનની જનરલ એડમિનિસ્ટ્રેશન અૉફ કસ્ટમ્સની વેબસાઈટ દાખવે છે. ચીનમાં પરિયાવરણ નિયંત્રણો અને વર્તમાન ઉત્પાદન કાપના પગલાંને લીધે ચીનની સ્ટીલ મિલોનો નફો ટન દીઠ 1100 યુઆન (161.24 ડૉલર)ની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયો છે.  
બાજિંગ દ્વારા શિયાળા પૂર્વે હવામાન પ્રદૂષણ પર અંકુશ મેળવવાના સખત પગલાં તેમ જ પુરવઠા કાપ લાગુ પાડવા અગાઉ ચીનની સ્ટીલ મિલો શક્ય એટલો મોટો નફો રળી લેવાની રેસમાં ઉતરી છે. ચીનના મુખ્ય સ્ટીલ ઉત્પાદક વિસ્તાર હુબઈમાં વીજળી કાપને લીધે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા રીબાર સ્ટીલ શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ અૉક્ટોબર વાયદો છ વર્ષની નવી ઊંચાઈ 4266 યુઆન અને રિબાર હાજર ભાવ 4451.33 યુઆન બોલાયા હતા. 
રાટિંગ એજન્સી ફીચે માર્ચ 2016થી ચીનની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાનો અંદાજ 2600 લાખ ટન યથાવત મુક્યો હોવાથી એક તરફ બજાર ભાવ નીચેથી પાછા ફર્યા હતા અને બીજી તરફ બજારમાં પુરવઠા નિયંત્રણ પણ આવી ગયું છે. ફિચ માને છે કે ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ 70થી 75 ટકા હતો તે હવે 85 ટકા થયો છે. એનાલિસ્ટો કહે છે કે આયર્ન ઓરના ભાવને અન્ય ફન્ડામેન્ટલોએ પણ મદદ કરી છે. એક તરફ પુરવઠા સાઈડના સુધારા લાગુ પડયા, બીજી તરફ સલામતીના વ્યાપક પગલાં લેવાયા તેને લીધે ચીનનું સ્થાનિક આયર્ન ઓર ઉત્પાદન થોડા વર્ષ પહેલા 4000 લાખ ટન હતું તે હવે ઘટીને માત્ર 2400 લાખ ટન રહી ગયું છે.  
અમેરિકા સાથેની ટ્રેડ વોર વધુ તીવ્ર બનવા અગાઉ ચીનની નેતાગીરીએ ટૂંકાગાળાના ઇકોનોમિક સુધારા પગલાંનો અમલ શરૂ કરી દીધો છે. ચીન હવે સરકારી સ્પોન્સર્ડ ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ વિકાસને બદલે કુદરતી સંશાધનોને મહત્ત્વ આપીને તેની જૂની પદ્ધતિની ઈકોનોમી સમતુલન  ઇન્વેસ્ટમેન્ટ આધારિત યોજનાઓ અમલી બનાવવા ઈચ્છે છે. મંગળવારે વાશિંગ્ટને કહ્યું હતું કે 23 અૉગસ્ટથી અમે ચાઈથી આયાત થતા 16 અબજ ડૉલરના સામાન પર 25 ટકા કર આકારણી અને વસુલી શરૂ કરીશું, આનો અર્થ એ થાય કે જગતનાં આ બે આખલાની વેપાર લડાઈ વધુ તીવ્ર બનવાની છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer