માતા-પિતા માટે ગ્રીન કાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બનશે

માતા-પિતા માટે ગ્રીન કાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બનશે
મુંબઈ, તા. 9 અૉક્ટો.
 ટ્રમ્પ તંત્રે અમેરિકામાં રહેતા વૃદ્ધો માટે ગ્રીન કાર્ડ મેળવવું વધુ મુશ્કેલ બને એવી દરખાસ્તો કરી છે. નવા સૂચિત નિયમો ધનવાનોની તરફેણ કરનારા છે અને ભારતીયોને, ખાસ કરીને અમેરિકાના નાગરિક બની ચૂકેલા ભારતીયોનાં માતા-પિતાને માટે વસમા પુરવાર થાય એમ છે.
સૂચિત નિયમો અનુસાર ગ્રીન કાર્ડ માટે નવા ફૉર્મ આઈ-944માં અરજી કરવાની રહેશે. તેથી સત્તાવાળાઓ માટે અરજદારની વય, અંગ્રેજીમાં પ્રાવીણ્ય, નાણાકીય સ્થિતિ, શૈક્ષણિક લાયકાત અને નોકરીના પ્રકાર સહિતની અનેકવિધ માહિતી મેળવવાનું શક્ય બનશે. તેને આધારે વસાહતી ખાતાના અધિકારીઓ માટે `જાહેર ખર્ચ'ના આધારે અરજી નકારી કાઢવા વિશેનો નિર્ણય લેવાનું સરળ બનશે.
દાખલા તરીકે વસાહતી ખાતાના અધિકારીઓ જે વ્યક્તિની વાર્ષિક આવક અમેરિકાની ગરીબી રેખાના 250 ટકા કરતાં ઓછી હોય તેને ગ્રીન કાર્ડ આપવાનો ઇનકાર કરી શકશે. (અમેરિકામાં બે વ્યક્તિના કુટુંબ માટેની ગરીબી રેખા વાર્ષિક 41,150 ડૉલર અને છ વ્યક્તિઓના કુટુંબ માટે વાર્ષિક 84,350 ડૉલર છે.)
ભારતથી ગયેલા આશરે 25 ટકા વસાહતીઓની આવક ગરીબી રેખાના 250 ટકાની નીચે છે. ફેમિલી સ્પોન્સરશિપના આધારે મેળવાતા ગ્રીન કાર્ડનું પ્રમાણ ઘણું ઊચું છે, એટલે નવા નિયમોથી કુટુંબો માટે અમેરિકામાં સ્થાયી થવું અઘરું બનશે. સપ્ટેમ્બર 2016માં પૂરા થયેલા વર્ષમાં ભારતીયોને અપાયેલાં 64,687 ગ્રીન કાર્ડ પૈકી 65 ટકા ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ અપાયાં હતાં. વસાહતી અધિકારીઓને અપાયેલી વિશાળ સત્તાઓથી કૌટુંબિક સ્થળાંતર ઘટવાની શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer