જામવાળા ગીરના કિસાને બનાવ્યું જીવાતોનો નાશ કરતું સોલાર ટ્રેપ !

જામવાળા ગીરના કિસાને બનાવ્યું જીવાતોનો નાશ કરતું સોલાર ટ્રેપ !
જૂનાગઢ નજીકના જામવાળા ગામના ખેડૂતની ક્રાંતિકારી શોધ
 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 13 નવે.
ખેડૂતો ભલે ઓછું ભણેલા હોય પણ કોઠાસૂઝ અભૂતપૂર્વ ધરાવતા હોય છે. ઘણી વખત કોઠાસૂઝથી શોધ કર્યા પછી જે સાધન બનતા હોય છે તે કાબિલે દાદ હોય છે. જૂનાગઢ પંથકના જામવાળા ગીર ગામના ખેડૂતે સોલારથી ચાલતી ટ્રેપ બનાવી છે. ટ્રેપમાં ઉડતા ફૂદા અને જીવાતો ફસાઇ જાય અને રાત્રે પાકને થતું નુક્સાન અટકાવી શકાય.
ખેડૂત રાજેશ પાઘડાર વર્ષોથી ખેતી કરે છે. દરેક ખેડૂતને પોતાના પાકમાં જીવાતનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. દવા છાંટવા છતાં પણ જીવાતનો નાશ નથી થતો અને પાકને મોટું નુકસાન થાય છે. આપણે ત્યાં ખેડૂતો જુનવાણી ટ્રેપ તરીકે ડબામાં લેમ્પ લગાવી અને તેને ચારે બાજુ તોડી નાખતા અને નીચે પાણી ભરીને રાખતા એટલે લેમ્પના પ્રકાશના કારણે જીવાત ત્યાં આવે અને પાણીમાં પડી ને મારી જાય. જોકે ખેતરમાં વીજળી હોય તો જ આ પ્રયોગ થાય. લાંબા વાયર અને લેમ્પ પણ બાળવાનો. આ ઉપાય એટલે બહુ ચાલ્યો નહીં. જોકે આ ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ બનાવી છે.
ટ્રેપનો મતલબ થાય ફાંસો. કોઈ પણ જીવ-જંતુને ફસાવવાનો કારસો. ખેડૂત માટે તો જીવાત જ સૌથી મોટો દુશ્મન આથી રાજેશ ભાઈએ એક સોલારની નાની પેનલ ખરીદી અને અખતરો કર્યો પોતાની જાતે સાધન બનાવવાનો. તેમનો અખતરો સફળ રહ્યો.
દિવસ ભાર સોલારની ટ્રેપ સૂર્યમાંથી પાવર ભેગો કરે અને રાત્રે જેવો સૂર્ય પ્રકાશ જાય કે તરત ઓટોમેટિક આ ટ્રેપ શરૂ થઇ જાય. રાજેશભાઈએ સંશોધન કર્યું કે એક એકરમાં આવો એક ફાંસલો તૈયાર કરીને રાખો એટલે જીવાત મારી જાય. ટ્રેપ પણ ખેતરમાં ગમે ત્યાં ઉંચકીને લઇ જઇ શકાય છે. પાણીનું સાધન પણ નીચે છે એટલે જીવાત એમાં પડીને મરી જાય. પાણીમાં પેટ્રોલ કે કેરોસીન પણ નાખે એટલે જીવાત તરત નાશ પામે.
અત્યારે તો રાજેશભાઈ આવા સોલાર લાઈટ ટ્રેપ રૂપિયા 3500થી 4000ની કિંમતે પોતે બનાવીને બીજા કિસાનોને પણ વેચે છે.  આગળ જતા તેમને સ્ટાર્ટઅપ પણ ખોલવાની ઈચ્છા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer