મેટલ ઉદ્યોગમાં ટ્રેડ વૉર, રૂપિયાની વધઘટથી અસમંજસની સ્થિતિ

મેટલ ઉદ્યોગમાં ટ્રેડ વૉર, રૂપિયાની વધઘટથી અસમંજસની સ્થિતિ
સ્થાનિક ઉદ્યોગની માગ વૃદ્ધિ અટવાતાં નવી આયાતમાં ઘટાડો
 
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 4 ડિસે.
ડોલર સામે રૂપિયો પાછલા મહિને અચાનક મજબૂત થવાથી સ્થાનિક બિનલોહ ધાતુ આયાતકારોના માર્જિન ઘસાયા છે. અગાઉ 73ના ભાવે મૂળ ધાતુ ભંગારની આયાત કરનારને કેટલાક અંશે નુકસાન પણ થયું હશે તેથી ફિનિશ્ડ પ્રોડક્ટ રૂા. 70ના ભાવે નિકાસ કરવાની ફરજ પડવાની ભીતી સતાવે છે. સ્થાનિક ઉદ્યોગ મહ્દઅંશે (80 ટકા) તાંબા ભંગારની આયાત પર નિર્ભર હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતા અને ડૉલર-રૂપિયાની વધઘટથી વિશેષ પ્રભાવિત થાય છે એમ એક સ્થાનિક ઉદ્યોજકે જણાવ્યું હતું.
અગાઉ પણ રૂપિયાની 64થી 73 સુધીની નબળાઇથી અનેક બિનલોહ ધાતુ આયાતકારોને નુકસાન થયું હતું. તેમણે કેન્દ્ર સરકારને નિયંત્રિત કરવા માટે રજૂઆત કરી હતી. જોકે તેનું કોઈ પરિણામ ચાલુ નથી.
બિનલોહ ધાતુના વૈશ્વિક ભાવ દબાણમાં આવ્યા છે. પરંતુ રૂપિયાની વધઘટને લીધે સ્થાનિક આયાતકારો કાચો માલ (ભંગાર) વધુ સંગ્રહ કરવાની સોનેરી તક ચૂકી જાય તેમ છે. છેલ્લા 1 મહિના દરમિયાન બિનલોહ ધાતુ ભંગારની સરેરાશ આયાતમાં ઘટાડો થયો છે એમ સ્થાનિક બજાર વર્તુળોએ જણાવ્યું હતું. અત્યારે સ્થાનિક માગ સ્થિર છે, પરંતુ વૃદ્ધિ દર્શાવતી નહીં હોવાથી ઉદ્યોજક-ટ્રેડરો જોઇએ તેટલો જ માલ મગાવીને સંતોષ માને છે. સ્ટૉક બાબતે અનિશ્ચિતતા પ્રર્વતી રહી છે.
બિનલોહ ધાતુ વૈશ્વિક બજાર ઉદ્યોગની સ્થિતિ બાબતે બીએમઈના ભૂતપૂર્વ પ્રમુખ સુરેન્દ્ર ખરડિયાએ જણાવ્યું છે કે `ટ્રેડ વૉર-રૂપિયાની વધઘટથી બજારમાં અસમંજસની સ્થિતિ છે. વૈશ્વિક બજારમાં તાંબાનો ભાવ પુરવઠા - માગની સ્થિતિ જોતા ટન દીઠ 6150થી 6350 ડોલર વચ્ચે ફરતો રહે તેમ જણાય છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer