હીરા ઉદ્યોગનું રિફંડ અટવાતાં કાર્યકારી મૂડીનું ધોવાણ

હીરાઉદ્યોગના કરોડો રૂપિયા ફસાઇ જતાં ઉદ્યોગકારો કાર્યકારી મૂડી વાપરી રહ્યા છે
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 જાન્યુ.
છેલ્લી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હીરાઉદ્યોગનાં ઈનપુટ ટૅક્સ ક્રેડિટ(આઈટીસી) રિફંડનાં પ્રશ્નો નહિ ઉકેલાતાં નારાજગી છે. હીરાઉદ્યોગની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને તાજેતરમાં સુરત ડાયમંડ ઍસોસિયેશનના નેજા હેઠળનાં એક પ્રતિનિધિમંડળે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી છે. ઉદ્યોગકારોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હીરાઉદ્યોગમાં કાર્યકારી મૂડીનું ધોવાણ થતું અટકાવવા જીએસટી રિફંડ છૂટું કરવું આવશ્યક છે. 
સુરત ડાયમંડ ઍસોસિયેશનનાં પ્રમુખ બાબુભાઈ ગુજરાતીનાં નેજા હેઠળ વરાછાનાં ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, માજીપ્રધાન નાનુભાઈ વાનાણી સહિત હીરાઉદ્યોગકારો નીતિનભાઈને મળીને હીરાઉદ્યોગની પડતર માગણીઓ રજૂ કરી હતી. જેમાં ડાયમંડ જોબવર્ક ઉપર લાગુ પડતો પાંચ ટકા જીએસટી ઘટાડીને એકથી ર ટકા કરવાની માગ કરવામાં આવી છે. આઈટીસી રિફંડને છૂટું કરવા માટે ખાસ મિકેનિઝમ ગોઠવવાની માગ કરી છે. ઉદ્યોગકારોના ખાતામાં જમા પડી રહેલી આઈટીસી રફ ડાયમંડની આયાત પર ચૂકવવાના થતાં 0.2પ ટકા આઈજીએસટી સામે સેટ અૉફ આપવાની છૂટ આપવામાં આવે.
એક અભ્યાસ મુજબ અંદાજે રૂા. 800 કરોડથી વધુની ક્રેડિટ હજુ પણ વણવપરાયેલી છે. જીએસટીની મોટી રકમ પૉલિશ્ડ ડાયમંડના વેચાણ ઉપર 0.25 ટકાની ડયૂટી ભરપાઈ બાદ જે તે હીરાઉદ્યોગની પેઢીઓ અને કારખાના માલિકોનાં ખાતામાં જમા છે. ખાતામાં જમા પડેલી આઈટીસી રિફંડનાં કારણે હીરાની પેઢીઓએ ફરજિયાત પણે કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરવો પડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer