ભારતનાં આઠ રાજ્યો - 22 દેશોનું પ્રતિનિધિત્વ હશે

વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.8 જાન્યુ.
 આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ આઠ રાજ્યો પોતાના રાજ્યોમાં રોકાણની નવીન તકો પ્રસ્થાપિત કરવાના હેતુથી આ સમિટમાં સહભાગી થશે, જેમાં આંધ્ર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો આવનારા સમયમાં રોકાણની ઉજ્જવળ તકોની સંભાવના દર્શાવતા વિશેષ સેમિનાર યોજશે. સાથે સાથે સમિટમાં દરેક રાજ્ય માટે એક વિશિષ્ટ પેવેલિયન પણ હશે, જે વૈશ્વિક રોકાણકારોને તેમના રાજ્યમાં રોકાણ માટે આકર્ષવામાં મહત્ત્વના સાબિત થશે. આ અગાઉની સમિટમાં ચાર રાજ્યેએ ભાગ લીધો હતો, આ વખતે આઠ રાજ્યો થયા છે. 
આ વખતની નવમી વાઈબ્રન્ટ સમિટની શેપિંગ એ ન્યૂ ઇન્ડિયા વિષયક થીમ સમગ્ર દેશવાસીઓના વિકાસની ભાવનાને ઉજાગર કરે છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર પણ યોજાશે, જેમાં 22 દેશોનું પ્રતિનિધિત્વ હશે. તેમ જ તેમના માટે ખાસ પેવેલિયન પણ તૈયાર કરાશે. આ દેશો પૈકી દ્ધિ-વાર્ષિક સમિટમાં 15 દેશ ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા સંમતિ દર્શાવી છે. સમિટમાં યોજનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જપાન, ડેન્માર્ક, નેધરલૅન્ડ અને અૉસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે.
આ ઉપરાંત આફ્રિકા ખંડના કેટલાક દેશો પણ આફ્રિકા ડે ની ઇવેન્ટ્સમાં ભાગ લેશે. તેમ જ સેમિનાર યોજીને આફ્રિકા સાથેના વ્યવસાય અને વેપાર માટેની તકો અને પડકારો રજૂ કરશે. તેઓ આ સેમિનારમાં ભારતીય વેપાર-ઉદ્યોગ જગતના દિગ્ગજોને જોડશે અને આફ્રિકન દેશોમાં વેપારની તકો, નિકાસની તકો, જમીનની ઉપલબ્ધતા, વિવિધ મંજૂરી, શ્રમ, સરકારી નીતિઓ અને વહીવટી સહયોગ જેવી બાબતોથી માહિતગાર કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer