દૂધ પાઉડરના ભાવ વધ્યા છતાં હજુ નફો નહીં

નિકાસ પ્રોત્સાહનો મળ્યાં અને વપરાશ વધ્યો હોવાને પગલે માલનો જંગી ખડકલો ઘટાડી શકાયો
 
અમદાવાદ, તા. 8 જાન્યુ.
આ વર્ષ દૂધ ઉત્પાદકો માટે ખુશીનો ખજાનો લઈને આવ્યું છે. સરકારે સ્કિમ્ડ મિલ્ક પાઉડર (એસએમપી)ની નિકાસને પ્રોત્સાહનો આપવાને પગલે તેના ભાવ મજબૂત થયા છે. મોટા ભાગની કોઓપરેટિવ ડેરીઓ અને ખાનગી ખેલાડીઓ દૂધના પાઉડરનો ખડકાયેલો જથ્થો હળવો કરી શક્યા છે, જેને પગલે છેલ્લા પખવાડિયામાં દૂધના પાઉડરના ભાવમાં પ્રતિ કિલો 20 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.
જોકે, એક વપરાશકાર ઉદ્યોગનો દાવો છે કે બજારમાં દૂધના પાઉડરની ખેંચને કારણે ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષે દૂધના પાઉડરમાં ભારે ખોટ જવાને કારણે ડેરીઓએ પ્રોસેસીંગ ઘટાડયું છે તેમ જ ખેડૂતોએ સિઝનમાં પશુઓમાં વધારાનું રોકાણ ટાળ્યું હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં પુરવઠાની તંગી સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દૂધના પાઉડરના ભાવ પ્રતિ એક કિલો રૂા. 195થી વધીને રૂા. 220 થયા છે.
ઉદ્યોગના અગ્રણી આ ભાવ વધારાનો બધો યશ નિકાસ પ્રોત્સાહનોને નથી આપતા. `અમૂલ' બ્રાન્ડ ધરાવતી કંપની ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું કે ``છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં દૂધ પાઉડરના ભાવ પ્રતિ એક કિલો રૂા. 290થી ઘટીને રૂા. 130-140 થયા હતા. આને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. એટલે, તેમણે નવાં પશુઓ ખરીદવાનું કે તેમાં રોકાણ કરવાનું ઘટાડયું હતું. પરંતુ ભાવ નીચે જતાં વપરાશ વધ્યો અને હવે સરકારના નિકાસ પ્રોત્સાહનોનો ટેકો પણ મળ્યો છે, જેને કારણે ભાવ ઉંચકાયા છે.'' જીસીએમએમએફએ છેલ્લા બેથી ત્રણ મહિનામાં પ્રોત્સાહન યોજના હેઠળ 30,000 ટન દૂધ પાઉડર નિકાસ કર્યો છે.
દૂધ પાઉડરના ભાવ વર્ષ 2014માં રૂા. 290ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા, પરંતુ તે પછી જંગી જથ્થો ખડકાતાં રૂા. 130-140 સુધી ગગડયા હતા. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની સલાહને પગલે કેટલાંક રાજ્યોએ મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ દૂધના પાઉડરનો વપરાશ શરૂ કર્યો હતો, જેથી વપરાશ વધારી શકાય.
દરમિયાન, દેશમાં હવે દૂધ પાઉડરનો લગભગ 80,000 ટનનો જથ્થો છે, જેના ઉપરથી જંગી જથ્થાની સમસ્યા ઉકલી ગઈ હોય તેમ લાગે છે.
યુરોપમાં પણ અગાઉ ત્રણ લાખ ટને પહોંચેલો દૂધ પાઉડરનો જંગી ખડકલો હવે ઘટીને લગભગ 70,000 ટન થયો છે. દૂધ પાઉડરના આંતરરાષ્ટ્રીય ભાવ બાર મહિનાની 2051 ડોલરની ટોચની નજીક છે. ગ્લોબલ ડેરી ટ્રેડ (જીડીટી)માં 18મી ડિસેમ્બરે દૂધ પાઉડરનો હરાજી ભાવ પ્રતિ એક ટન 2042 હતો. 
જોકે, ઘરઆંગણે પ્રતિ એક કિલો રૂા. 200-225 જેટલા ઊંચા ભાવે પણ ડેરી કોઓપરેટિવ્સ નફો મેળવી શકતી નથી. કેમકે, તેનો ઉત્પાદન ખર્ચ જ પ્રતિ એક કિલો રૂા. 230 છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer