ખાંડના લઘુતમ વેચાણભાવ વધારવા સરકાર તૈયાર

ખાંડના લઘુતમ વેચાણભાવ વધારવા સરકાર તૈયાર
લખનઊ, તા. 8 જાન્યુ.
મુશ્કેલીમાં ફસાયેલા ખાંડ ઉદ્યોગને રાહત આપવા સરકાર ખાંડના લઘુતમ વેચાણભાવ હાલના કિલો દીઠ રૂા. 29થી વધારીને રૂા. 32 કરવા તૈયાર થઈ છે.
ગયે વર્ષે, ખાંડના છૂટક ભાવમાં થયેલા ઘટાડા અને આંતરરાષ્ટ્રીય બજારમાં માલભરાવાને પગલે નિકાસમાગ મંદ રહેવાથી સ્થાનિક મિલોને સહાયરૂપ થવા સરકારે ખાંડનો એક્સ-ફેક્ટરી લઘુતમ વેચાણભાવ  રૂા. 29 ઠરાવી આપ્યો હતો.
પરંતુ મિલોએ ખેડૂતોને શેરડી પેટે ચૂકવવાની બાકી રકમ વધી જવાથી અને 2018-'19ની મોસમનું પીલાણ શરૂ થઈ જવાથી મિલો આ ભાવ વધારવાની માગણી કરી રહી હતી. મિલોનું કહેવું છે કે તેમને કિલો દીઠ બે થી ત્રણ રૂપિયાનો વધારો જાહેર કરે તેવી સંભાવના છે. ``જો કે આ ભાવ વધારા સાથે એવી શરત હશે કે હવે પછી ઉદ્યોગે સરકાર પાસે વધુ સબસિડી માગવી નહી.'' એમ તે અધિકારીએ ઉમેર્યું હતું.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ખેડૂતોને નાણાં ચૂકવવા ખાંડ મિલોને રૂા. 4000 કરોડની હળવી લોન આપવાની જાહેરાત કરી હતી અને બીજા પણ કેટલાક લાભ જાહેર કર્યા હતા.
2017-18 (અૉક્ટોબર-સપ્ટેમ્બર) મોસમના અંતે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની ખાંડ મિલોએ ખેડૂતોને શેરડી પેટે રૂા. 6500 કરોડથી વધુ રકમ ચૂકવવાની હતી. આ બે રાજ્યો દેશના ખાંડના ઉત્પાદનમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
અગાઉ અૉલ ઈન્ડિયા સુગર ટ્રેડ ઍસોસિએશનના પ્રમુખ પ્રફુલ વિઠલાણીએ કહ્યું હતું કે ઓક્ટોબરમાં પિલાણ શરૂ થાય તે પછી ખેડૂતોની બાકી નીકળતી રકમમાં વધારો થાય તે એક ``મૌસમી ઘટના'' છે. વળી આ વર્ષે નિકાસ પણ ઠંડી રહી છે.
ભારત અને બ્રાઝિલના મોટા ઉત્પાદનને કારણે આંતરરાષ્ટ્રીય ખાંડ બજારમાં પણ સેન્ટિમેન્ટ મંદીતરફી છે. 2018ના અંતે ખાંડ વાયદાના ભાવ દસ વર્ષના તળિયે હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer