ચાંદીએ શૅરબજાર અને ડૉલર પાસેથી તેજીની ચાવી પડાવી લીધી છે

ચાંદીએ શૅરબજાર અને ડૉલર પાસેથી તેજીની ચાવી પડાવી લીધી છે
ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 8 જાન્યુ.
2018માં અમેરિકન ડૉલર સાથેની ટક્કરમાં ચાંદીએ મોટે ભાગે ભારે પછડાટ ખાધા પછી હવે લાગે છે કે 2019માં તેણે શૅરબજાર અને ડૉલર બન્ને પાસેથી તેજીની વિઘ્નદોડની બેટન પકડી લીધી છે. ગત વર્ષે સોનાની તુલનાએ ચાંદી ખૂબ જ ખરાબ સ્થિતિમાં મુકાઈ હતી. 12 નવેમ્બરે ચાંદીએ ઔંસ (31.1035 ગ્રામ) દીઠ 13.95 ડૉલરના ભાવે બે વર્ષનું તળિયું બનાવી સતત સુધારે ગુરુવારે 15.67 ડૉલરની ઊંચાઈ હાંસલ કરી હતી. ટેક્નિકલી જોઈએ તો પણ ડબલ બોટમ બનાવ્યા પછી 14.85 ડૉલરની પ્રતિકાર સપાટી પણ પાર કરી નાખી હોવાથી ચાંદીએ વધવું પડ્યું છે. 
સામાન્ય રીતે સોના કરતાં ચાંદી 1.3 ટકા વધુ અસ્થિર ગણાય છે. તેથી જો સોનું ઉંચે જાય તો ચાંદી તેના કરતાં વધુ વેગથી વધશે. ચાંદી એક ઔદ્યોગિક ધાતુ હોવા છતાં તેને કીમતી ધાતુ ગણવાનું વલણ હજુ પણ ચાલુ છે. પરિણામે તે રોકાણકારના આકર્ષણનું કેન્દ્ર બની છે. 2019માં સોના અને ચાંદીને મળનારો સલામત રોકાણ સાધનનો દરજ્જો તેને ઉંચે જવામાં મદદ કરશે. વાસ્તવમાં ચાંદી 2018માં જ ચમકતો સિતારો હોવી જોઈતી હતી, પરંતુ તેણે કીમતી ધાતુ અને બેઝ મેટલ્સમાં સૌથી વધુ નિરાશા અપાવી હતી. આવી નિરાશા છતાં બજારમાં હવે એવો આશાવાદ પ્રવર્તે છે કે આ વર્ષે જો સોનું તેજીના પાટે ચઢી જશે તો ચાંદી પણ વધુ ચમકશે. 
સોનાની તુલનાએ ચાંદીએ ખરાબ રીતે પછડાટ ખાધી હોવાથી સોનાચાંદીના ભાવનો ગુણોત્તર 85.5ની 25 વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયો હતો. ગુરુવારે 82.57ના પ્રમાણથી સોનાચાંદીના વેપાર થતા હતા. આ ગુણોત્તરની ઐતિહાસિક સરેરાશ 50ની છે. ગત સપ્તાહે સામાન્ય માન્યતા એવી હતી કે શૅરબજાર તૂટ્યાં હોવાથી ચાંદી પણ નીચે જશે, પણ તેણે તો વિપરીત વલણ અખત્યાર કર્યું હતું. 2019માં સોનાની તેજી માટે અસંખ્ય ફન્ડામેન્ટલ્સ કામે લાગ્યાં હોઈ ચાંદી, સોનાને ઝાંખું પડી દે એવી શક્યતા એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે. ફેબ્રુઆરીથી જૂન 2018થી ચાંદીનો સપોર્ટ 16.2 ડૉલર નિર્ધારિત થયો હોવાથી તે મહત્વનો વર્તમાન ટાર્ગેટ બની 
ગયો છે. 
જો શૅરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાંથી રોકાણકારોનું રોકાણ પાછું ખેંચાય તો સવાલ એ ઉભો થશે કે આવી કમાણી અથવા ડોલરનો પ્રવાહ સલામતીના સ્વર્ગસમાં સોનાચાંદીમાં આવશે કે નહિ? વર્તમાન નાણાંખેંચ નિમિત્તે જો આવું થોડું નાણું પણ સોનાચાંદીમાં આવશે તો તેની ખૂબ મોટી અસર ભાવ પર જોવા મળશે.
ચાંદીની ખાણો બાબતે આગાહી કરવી મુશ્કેલ છે, કારણ કે 66 ટકા ચાંદી, તાંબું, સીસું કે જસત જેવી પ્રાથમિક ધાતુઓની આડપેદાશ છે. 2018ના બીજા અર્ધવાર્ષિકમાં પ્રાથમિક ધાતુઓની કંપનીઓના શૅરોના ભાવમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. એ જોતા આ ઉદ્યોગમાં મોટાપાયે નવી મૂડી આવવાની સંભાવના ઘટી ગઈ છે. તાજેતરનાં વર્ષોમાં મેક્સિકોની ખાણમાં ઉત્પાદન વધી રહ્યું હોવાથી પ્રત્યક્ષ બજારમાં ચાંદીનો પુરવઠો ખૂબ વધી ગયો છે, પણ હવે આવો સ્ટોક બજારમાં બહુ આવવાનો નથી. આપણે હવે વર્ષના બાકીના સમયમાં મેક્સિકોની ડાબેરી સરકાર ખાણ ઉદ્યોગ પ્રત્યે માયાળુ વર્તન રાખે છે કે નહિ તે જોવાનું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer