કપોળ બૅન્ક ફરી શરૂ કરવા ખાતેદારોનું સંગઠન આરબીઆઈ સાથે ચર્ચા કરવા તૈયાર

કપોળ બૅન્ક ફરી શરૂ કરવા ખાતેદારોનું સંગઠન આરબીઆઈ સાથે ચર્ચા કરવા તૈયાર
નિયંત્રણની સમયમર્યાદા જૂનમાં પૂરી થશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 જાન્યુ.
છેલ્લાં પાંચ વર્ષથી રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ઍડ્મિનિસ્ટ્રેટર દ્વારા નિયંત્રિત કપોળ બૅન્કના રોકાણકારોને રાહત તેમ જ બૅન્કને ફરી પાછી ધમધમતી કરવાના વિકલ્પોની વિચારણા કરવા માટે તાજેતરમાં કાંદિવલીમાં બૅન્કના ગ્રાહકોનાં હિત માટેની નોંધણીકૃત સંસ્થા કપોળ કેસીબીએલ દ્વારા સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા બૅન્કના ખાતેદારો અને શૅરહોલ્ડરોને મંચ પરથી કપોળ સમાજના અગ્રણીઓ તથા સંસ્થાના હોદ્દેઁદારોએ બૅન્કના ભવિષ્ય વિશે ટેક્નિકલ અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત ખાતેદારોના મનમાં એક જ સવાલ હતો કે કપોળ બૅન્કને ફરી શરૂ કરવાના સંગઠનના પ્રયાસ સફળ થશે?
આ સભામાં બૅન્કના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રમેશ વોરા તેમ જ મિતેશ વોરા તથા કપોળ કેસીબીએલના સંયોજક ધવલ મહેતાએ બૅન્કના ખાતેદારો, રોકાણકારો તેમ જ શૅરહોલ્ડરોને એક થઈને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની ધરપત આપવા સાથે જ આરબીઆઇ સાથેની વાટાઘાટો અને બૅન્કને ફરીથી પોતાની મેળે ઊભી કરવાના વિકલ્પના પ્રસ્તાવની વિગતો રાખી હતી. સભામાં હાજર હજારો ખાતેદારોને એક ફૉર્મ આપીને સંબંધિત સંમતિ આપવાની હાકલ કરવામાં આવી હતી.
મિતેશ વોરાએ માહિતી આપી હતી કે કપોળ બૅન્કના બોર્ડ અૉફ ડિરેક્ટરો દ્વારા મિસ મૅનેજમેન્ટને કારણે બૅન્ક ડૂબવાને આરે આવી હતી અને તમામ માપદંડોમાં નિષ્ફળ જતાં 2014ની 20 જૂનથી કપોળ બૅન્ક પર આરબીઆઇનું નિયંત્રણ આવી પડયું હતું અને પાંચ વર્ષ બાદ પણ લાખો રોકાણકારો પોતાની પરસેવાની કમાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. બૅન્કની સ્થિતિ વિશે વોરાએ કહ્યું હતું કે મુંબઈમાં 14 અને સુરતમાં 1 શાખા તેમ જ મુંબઈમાં હેડક્વૉર્ટર ધરાવતી આ બૅન્કમાં હાલની થાપણ 400 કરોડ રૂપિયાની છે જેમાંથી 150 કરોડ આરબીઆઇમાં રિઝર્વ પડયા છે. 2014 સુધીમાં બૅન્કે 188 કરોડ રૂપિયાની લોન આપી હતી એમાંથી 75 ટકા લોન ડિરેક્ટરોના ગેરવહીવટને કારણે એનપીએમાં જતાં રોકાણકારો મુશ્કેલીમાં આવ્યા છે.
હવે બૅન્કની કુલ 15 શાખા અને 300 કર્મચારીઓના પગાર તથા અન્ય ખર્ચ માટે દર વર્ષે 40 કરોડ રૂપિયા ખર્ચ આવે છે, પરંતુ બૅન્કની આવકના નામે શૂન્ય છે. પાંચ વર્ષમાં આ ખર્ચમાં જ મોટા ભાગની રકમ ખર્ચાઈ ગઈ છે અને હવે બૅન્ક પાસે ભાગ્યે જ 33 કરોડ રૂપિયા કૅશ બચ્યા છે. હજી પાંચ વર્ષ કંઈ નહીં થાય તો બાકીના 200 કરોડ પણ ખર્ચાઈ જશે. 
બૅન્કના રોકાણકારો સમક્ષ ત્રણ વિકલ્પ છે જેના પર ચારેક વર્ષથી વિચારણા ચાલી રહી છે. લિક્વિડેશનમાં જવાથી બધા રોકાણકારોને ભાગે તેમની રોકેલી રકમના 50 ટકા પણ ભાગ્યે જ હાથમાં આવશે. બીજો વિકલ્પ મર્જરનો છે. પરંતુ ખોટ કરતી બૅન્કને સાથે લેવા અન્ય કોઈ બૅન્ક તૈયાર નથી. કોઈ તૈયાર થાય તો પણ 50 ટકા રકમ તો ગુમાવવી જ પડે.
સંસ્થાએ વિચાર કર્યો છે કે ફરીથી બૅન્કને શરૂ કરવી અને એમાં સૌના સહકારની અપેક્ષા છે એમ કહીને રમેશ વોરાએ કહ્યું હતું કે હવે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. આરબીઆઇ વહીવટકર્તા છે, સંચાલક નથી. આરબીઆઇની પાંચ વર્ષની મુદત આ વર્ષે 20 જૂને પૂરી થશે એ પહેલાં બોર્ડની ચૂંટણી કરાવાશે એથી આપણી પાસે નિર્ણય લેવા માટે માત્ર ત્રણેક મહિના બાકી છે. સંસ્થાએ વિચાર્યું છે કે તમામ રોકાણકારો તેમની 35 ટકા મૂડી લગાવે તો બૅન્કની એનપીએની પુરાંત થઈ શકે અને બૅન્ક ચલાવી શકાય એટલી રકમ તો બૅન્ક પાસે છે. એ પહેલાં બૅન્કની બ્રાન્ચ પણ જો અડધી કરવામાં આવે તો ખર્ચ બચી શકે, એ પણ એક વિકલ્પ છે. લગભગ અડધા કર્મચારીઓ પણ વીઆરએસ લઈ ચૂક્યા છે એથી એમાં કોઈ બાધ નથી. ઉપસ્થિત હજારો રોકાણકારોએ આ પ્રસ્તાવને હાથ ઊંચા કરીને મૌખિક સંમતિ આપી હતી એથી હવે આગામી દિવસોમાં સંસ્થા આ દિશામાં વિચારણા કરશે. સંસ્થાએ બૅન્કના સંચાલન માટે સ્વતંત્ર પ્રોફેશ્નલ્સની ટીમ ઉપરાંત લોન ભરપાઈ ન કરનારાઓ સામે પણ કાર્યવાહીની માગણી કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer