શેરડીના ખેડૂતો 28 જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શન કરશે

શેરડીના ખેડૂતો 28 જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શન કરશે
પુણે, તા. 8 જાન્યુ.
ખેડૂતોના સંગઠન સ્વાભિમાની શેતકરી સંઘટનાના નેતા રાજુ શેટ્ટીએ જણાવ્યું છે કે એફઆરપીના ચૂકવણાં એકસાથે કરવામાં આવે તેવી માગણી સાથે પુણેમાં ખેડૂતો 28મી જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શન કરશે. માગના અભાવે મિલર્સને વાજબી અને વળતરપ્રદ ભાવ (એફઆરપી)એ ખેડૂતોને ચૂકવણી કરવાનું મુશ્કેલ બન્યું છે. મરાઠવાડા અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં મિલર્સે ખેડૂતોને એફઆરપીના 80 ટકા લેખે ચૂકવણી કરવાનું શરૂ કર્યું છે.
બૉમ્બે સુગર મર્ચન્ટ્સ ઍસોસિયેશનના સેક્રેટરી જનરલ મુકેશ કુવેડિયાએ જણાવ્યું કે કોઈ તહેવાર ન હોવાને કારણે ડિસેમ્બરમાં બજાર ઊંચકાયું ન હતું. ઉપરાંત, બજારમાં ખાંડના સારા ઉત્પાદનના અહેવાલોને પગલે પણ સેન્ટિમેન્ટ વધુ કથળ્યાં છે.
વેસ્ટર્ન ઇન્ડિયા સુગર મિલ્સ ઍસોસિયેશન (વિસ્મા)ના પ્રમુખ બી.બી. થોમ્બરેએ જણાવ્યું કે મિલર્સ પાસે વેચાયા વિનાના માલના ખડકલા થયા છે. નીચા ભાવ અને વણવેચાયેલા માલને કારણે મિલર્સ ખેડૂતોને એફઆરપીએ ચૂકવણી કરી શકતા નથી.
ઉત્તરપ્રદેશની સરકાર ખાંડના લઘુતમ તળિયાના ભાવ (એમએફપી)માં 12 ટકા વધારાની તરફેણ કરશે તેવી અટકળોને પગલે વીતેલા સપ્તાહને અંતે ખાંડના ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 20-30 જેટલા વધ્યા હતા. જોકે, ઉદ્યોગના સૂત્રો જણાવે છે કે બજારમાં નબળી માગની પરિસ્થિતિ ચાલુ રહેવાને કારણે તેમ જ ખાંડનું સારું એવું ઉત્પાદન થયું હોવાના અહેવાલોને પગલે ખાંડ ઉદ્યોગનું ચિત્ર ખાસ પ્રોત્સાહક જણાતું નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer