વિદેશી રાષ્ટ્રો સાથે મુક્ત વ્યાપાર અને દ્વિપક્ષી વેપાર કરાર

વિદેશી રાષ્ટ્રો સાથે મુક્ત વ્યાપાર અને દ્વિપક્ષી વેપાર કરાર
સત્વર કરવા ટેક્સપ્રોસીલનો અનુરોધ
 
ટેક્સ્ટાઈલની નિકાસ વધારવા
 
મુંબઈ, તા. 8 જાન્યુ.
ભારત સરકારે મુખ્ય આયાતકાર રાષ્ટ્રો જોડે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) અને દ્વિપક્ષી વેપાર કરાર નક્કી કરવામાં ઝડપ કરવી જોઈએ કે જેથી ભારતીય સપ્લાયરોને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળી શકે અને દેશની નિકાસ વધી શકે, એમ ધી કોટન ટેક્સ્ટાઈલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટેકસપ્રોસીલ)ના અધ્યક્ષ ડૉ. કે. વી. શ્રીનિવાસને જણાવ્યું હતું.
કેન્દ્રીય ટેક્સ્ટાઈલ્સ મંત્રાલયે તા. 5 અને 6 જાન્યુઆરી, 2019ના નવી દિલ્હીમાં `અકમ્પ્લીશમેન્ટ એન્ડ વે ફોરવર્ડ ફોર ટેક્સ્ટાઈલ સેકટર' ઈવેન્ટ પ્રથમવાર યોજાઈ હતી, જેમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગની પ્રગતિગાથા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ટેક્સ્ટાઈલ ક્ષેત્રના વિવિધ વિભાગોમાં નોંધપાત્ર ફાળો આપનાર 17 વ્યક્તિઓને `થ્રેડસ અૉફ એકસેલન્સ એવૉર્ડસ' એનાયત કરવામાં આવ્યા હતા.
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ આધુનિકીકરણ, ટેક્નૉલૉજીકલ અપગ્રેડેશન, વેલ્યુ એડિશન અને સંશોધન-વિકાસ પર વધુ ધ્યાન આપવાની હાકલ કરી હતી.
ટેક્સપ્રોસિલના અધ્યક્ષ ડૉ. કે. વી. શ્રીનિવાસને જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયની આરઓએસએલ સ્કીમના કારણે વેલ્યુ એડેડ પ્રોડકટસના ઉત્પાદન અને નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રોત્સાહન સમગ્ર ટેક્સ્ટાઈલ વેલ્યુ ચેઈનને મળ્યું છે. આથી ટેક્સ્ટાઈલ ઈકો-સિસ્ટમમાં વધુ રોજગારીનું નિર્માણ થયું છે. હવે નજદીકના ભવિષ્યમાં વધુ સંખ્યામાં ઈન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઈલ પાર્ક કાર્યરત થઈ જવાની ધારણા છે અને તેનાથી ટેક્સ્ટાઈલ ક્ષેત્રનું સ્પર્ધાત્મક સામર્થ્ય વધી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer