અલ નિનો આ ચોમાસે પણ કહેર મચાવશે : વરતારો

અલ નિનો આ ચોમાસે પણ કહેર મચાવશે : વરતારો
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
વર્ષ 2018 ભલે કડકડતી ઠંડી સાથે પૂરું થયું હોય, પરંતુ આ વર્ષ દરમિયાન તાપમાન ઘણું ઊંચું રહેવાની સંભાવના છે. વર્લ્ડ મેટિરિયોલોજિકલ અૉર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ)એ જણાવ્યું છે કે અલ-નિનોની પૂરેપૂરી અસર ડિસેમ્બર, 2018થી ફેબ્રુઆરી, 2018 વચ્ચે જોવા મળે તેવી 75-80 ટકા સંભાવના છે.
અર્થ સાયન્સીઝ મંત્રાલયના સચિવ એમ. રાજીવને જણાવ્યું કે વર્ષની શરૂઆત સાથે જ દેશના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહેલું ઠંડીનું મોજું ધીમે ધીમે ઓસરવા લાગે તેવી સંભાવના છે. તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું અનુમાન છે, જેનું એક કારણ અલ નિનો અને બીજું કારણ વૈશ્વિક આબોહવા પરિવર્તન છે. 
અલ-નિનો, એ પેસિફિક સમુદ્રનાં પાણી ગરમ થાય તેની સાથે સંકળાયેલી ઘટના છે અને તેનાથી ઉપખંડના હવામાનને અસર થતી હોવાનું મનાય છે. જોકે, હવામાન સાથે સંકળાયેલા નિષ્ણાતોમાં આ બાબતે મતમતાંતર પ્રવર્તે છે.
મેટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે અલ-નિનોના વર્ષે ઉનાળા તેમ જ શિયાળામાં સામાન્ય કરતાં ઊંચું તાપમાન જોવા મળે છે. જોકે, તેની અસર ચોમાસા ઉપર થશે તે નહીં અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવું અત્યારે ઘણું વહેલું ગણાય.
રાજીવને પણ આ વિશે ધારણા ઘણી વહેલી ગણાવીને ઉમેર્યું હતું કે અલ-નિનો એપ્રિલ-મે સુધીમાં પૂરું થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer