ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સવર્ણોને 10 ટકા અનામતનો મળશે લાભ

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સવર્ણોને 10 ટકા અનામતનો મળશે લાભ
સવર્ણોને અનામત : વિરોધ પક્ષોનો આવકાર
 
એજન્સીસ      નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને રોજગારમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ સાથેનું બિલ લોકસભામાં રજૂ કર્યું છે.
બંધારણના આર્ટિકલ 15માં સુધારો ઇચ્છતું આ બિલ છે. આમાં સ્પેશિયલ ક્લોઝ ઉમેરાશે કે જેથી રાજ્યો આર્થિક પછાત વર્ગના કલ્યાણ માટે ખાસ જોગવાઈ કરી શકશે.
સવર્ણ જાતિના અનામત ખરડામાં મુખ્ય 10 મુદ્દા છે. જનરલ કેટેગરી બિલ માટે અનામતની જોગવાઈ. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ (રાજ્યની સહાયથી ચાલતી હોય કે વગર સહાયે ચાલતી હોય)માં પ્રવેશ માટે ખાસ જોગવાઈ કરાશે. વર્તમાન અનામત ઉપરાંતનું આ અનામત હશે જે દરેક કેટેગરીમાં મહત્તમ 10 ટકા સીટને આધીન રહેશે.
રાજકારણીઓનો આવકાર બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં વડા માયાવતીએ આને આવકાર આપવા છતાંય તેને રાજકીય સ્ટંટ ગણાવ્યું હતું. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આને ગરીબોના ઉત્કર્ષનું પગલું ગણાવ્યું હતું. નવા ક્વોટા માટે સરકાર બંધારણમાં સુધારો કરશે. કેબિનેટે 10 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. હવે આના અમલ માટે બંધારણમાં સુધારો કરાશે. રાજ્યસભાનું શિયાળુ સત્ર મંગળવારે પૂરું થવાનું હતું પણ હવે તેનું સત્ર એક દિવસ લંબાવવામાં આવશે. ક્વોટા બિલને કૉંગ્રેસનો ટેકો છે. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે અમે અનામતના દરેક પગલાંને ટેકો આપીએ છીએ. કૉંગ્રેસે સરકારની આ હિલચાલને ચૂંટણી ગીમિક ગણાવી હતી. કૉંગ્રેસે જણાવ્યું હતું કે રોજગાર વગર નોકરીમાં અનામત નિર્માણ કરવાથી એક વધુ જુમલો પુરવાર થશે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે આર્થિક કારણોસર પરમિટ ક્વોટા કે અનામતની છૂટ બંધારણ આપતું નથી. અનામતનો હેતુ દલિતોને કરાયેલા ઐતિહાસિક અન્યાયને સુધારવાનો છે. ગરીબી નિવારણ માટે બીજી ઘણી સ્કીમો છે. અનામત માત્ર ન્યાય માટે છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઉપલી જાતિના અનામત અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી છે. મોદી સરકારે આવકાર્ય જુમલો આપ્યો છે. કેટલાંક રાજ્યોએ અવારનવાર આવા ઠરાવો પસાર કર્યા છે પણ કોર્ટે 50 ટકાથી વધુ અનામત પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે માત્ર કેન્દ્રીય પ્રધાનમંડળે આ નિર્ણય લીધો છે પણ સુપ્રીમ કોર્ટ તેના પર પ્રતિબંધ મૂકી દેશે.
બિહારના બે ટોચના દલિત નેતાઓ - રામવિલાસ પાસવાન અને જીતનરામ માંઝીએ આને ટેકો આપ્યો છે. જોકે માંઝીએ માત્ર 10 ટકા ક્વોટાને બદલે 15 ટકા ક્વોટા રાખવાની માગણી કરી છે. જેડી(યુ)એ ક્વોટા બિલ માટે બધા પક્ષોને સહકાર આપવા જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer