નવી ટેક્સ્ટાઇલ નીતિથી અમદાવાદના કાપડ ઉદ્યોગ નિરાશ

વેપાર-ઉદ્યોગના અભિપ્રાયો-સૂચનો ધ્યાને નહીં લેવાયાનો અફસોસ 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 11 જાન્યુ.
નવી ટેક્સ્ટાઇલ નીતિને લીધે અમદાવાદના કાપડ ઉદ્યોગમાં નિરાશા છવાઇ છે. કારીગરોની ઇપીએફઓ હેઠળ નોંધણી ઉપરાંત કેપિટલ સબસિડી માટે રખાયેલી શરતો ઉદ્યોગકારોને આકરી જણાઇ છે. ઘરેલુ ચેમ્બરો અને વેપારીઓએ આપેલા અભિપ્રાયો અને સૂચનો ધ્યાનમાં લેવાયા નથી. ઉપરાંત સહાય માટે રોજગારીની શરત રાખવામાં આવી છે તે ઉદ્યોગકારોને પસંદ પડી  નથી. 
ટેક્સ્ટાઇલ પ્રોસેસ હાઉસના પ્રમુખ અને  ઉપપ્રમુખ - મસ્કતી મહાજન અમદાવાદના નરેશ શર્મા  કહે છે કે નવી ટેક્સ્ટાઇલ નીતિ અમને ખાસ અસરકારક લાગતી નથી. સબસિડી મેળવવા માટે નવા કારીગરો રાખવાનું કહેવાયું છે. પરંતુ હવે કોન્ટ્રાક્ટ સિવાય કારીગરો-મજૂરો રાખવા પોસાય તેમ જ નથી. નવા યુનિટો માટે પણ જો આ રીતે નિયમો લાગુ કરવામાં આવશે તો ખાસ અસર થશે નહીં.  સરકારે હજુ આ નીતિમાં ફેરફાર કરવા પડશે એવું અમને દેખાય છે.
ટેક્સ્ટાઇલ નીતિને લઇને બહુ હરખાવા જેવું નથી એવો અભિપ્રાય પૂર્વ ચૅરમૅન - પાવરલૂમ ડેવલોપમેન્ટ ઍન્ડ એક્સપોર્ટ કાઉન્સિલના ભરત છાજેડ દ્વારા આપવામાં આવ્યો છે. કેપિટલ સબસિડીની જૂના ઉદ્યોગ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એ દુ:ખદ છે. સ્પાનિંગ અને જાનિંગમાં કોઇ રાહતો અપાઇ નથી કે કોઇ ફેરફાર કરાયો નથી. અમને મહારાષ્ટ્રની નીતિ વધારે આકર્ષક લાગે છે. નવું યુનિટ અને ટેક્સ્ટાઇલ બનાવવામાં મોટું રોકાણ કરવું પડે. યુનિટો સંગઠિત થઇને રોકાણ કરે તો જ તે શક્ય છે. વીજળીમાં નવા યુનિટને જ રૂા. 2ની સબસિડી વાજબી નથી. જૂના યુનિટોને કશી રાહત નથી અપાઇ.
ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના કહેવા પ્રમાણે નીતિ મિશ્ર અસરો છોડશે કારણકે ધારણા કરતા પૉલિસી નબળી છે. ઘરેલુ ચેમ્બર અને ટ્રેડ મંડળના અભિપ્રાયો ધ્યાન ઉપર લેવાયા નથી. ફેબ્રિકેટેડ પૉલિસી જાહેર થઇ ગઇ છે. કામદારોને ફરજિયાત ઈપીએફ નોંધણીની શરત યોગ્ય નથી, ફોરવર્ડ બેકવર્ડ ઇન્ટિગ્રેશન સહાયની વાત કરવામાં આવી હતી પરંતુ એમાં એક શરત છે કે વધારાની રોજગારી આપશે તો જ સહાય મળશે,  આવા નિયમોના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. ટેક્સ્ટાઇલ સિઝનલ બિઝનેસ છે એટલે મજૂરો કાયમ માટે ન રાખી શકાય. ગ્રીનફિલ્ડ યુનિટ માટે 35 લાખની સહાય ઘણી ઓછી છે. વાવિંગ માટે વ્યાજમાં સહાય આપવામાં આવી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer