વિદેશમાં ખાંડના ભાવ ઘટતાં નિકાસમાં અવરોધ

વિદેશમાં ખાંડના ભાવ ઘટતાં નિકાસમાં અવરોધ
નવી દિલ્હી,તા. 11 જાન્યુ.
રૂપિયાની મજબૂતાઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટાડાથી ખાંડની નિકાસ મિલો માટે અનાકર્ષક બની ગઈ છે. સરકારના દબાણ છતાં 50 લાખ ટનનો ખાંડનો નિકાસ લક્ષ્યાંક સિદ્ધ થવો મુશ્કેલ જણાય છે.
ગયે વર્ષે ખાંડના આંતરરાષ્ટ્રીય ભાવમાં 20 ટકાનું ગાબડું પડયા પછી ભારતની નિકાસ ઓછી થાય તો બજારને થોડો સહારો મળી જાય, પરંતુ ખાંડ મિલો માટે સીઝનના પ્રારંભમાં માલભરાવાની સમસ્યા ઉગ્ર બને અને સરકાર પર આ આફતગ્રસ્ત ઉદ્યોગને સહાય કરવાનું દબાણ વધે.
અૉક્ટોબરથી શરૂ થયેલી 2018-19ની મોસમમાં ભારતની ખાંડની નિકાસ 25થી 35 લાખ ટન રહેવાનો અંદાજ છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચેનો તફાવત વધી જવાથી મિલો નવા નિકાસ કોન્ટ્રાક્ટ કરવા ઉત્સુક નથી એમ ઉદ્યોગનાં સૂત્રોએ કહ્યું હતું.
સ્થાનિક બજારમાં ખાંડના ટન દીઠ રૂા. 29,200 (414 ડૉલર) ઊપજે છે. જ્યારે નિકાસકારોને ટન દીઠ રૂા. 19,000થી પણ ઓછો ભાવ મળે છે, એમ વેપારીઓ કહે છે. વળી ડૉલર સામે રૂપિયો અૉક્ટોબરમાં રૂા. 74.80ની વિક્રમ તળિયારૂપ સપાટીએ પહોંચી ગયા બાદ 5.5 ટકા જેવો સુધરી આવતાં નિકાસકારોનો નફો સંકડાઈ ગયો છે.
આ સંજોગોમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલાં પ્રોત્સાહનો છતાં તેણે સપ્ટેમ્બરમાં નિર્ધારેલો નિકાસ લક્ષ્યાંક પાર પડવો અશક્ય જણાય છે. નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે ટ્રાન્સપોર્ટ સબસિડીની અને ખેડૂતોને સીધી સહાય આપવાની જાહેરાત કરી છે. જોકે મિલો ખેડૂતોને શેરડીના નાણાં ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહી હોવાથી આગામી મહિનાઓમાં નિકાસ વધી શકે છે એમ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનના પ્રમુખ રોહિત પવારે કહ્યું હતું. તેમના મતે મિલો ઉત્સાહ બતાવે અને સરકાર બ્રિજ ફન્ડિંગ પૂરું પાડે તો ખાંડની નિકાસ 35 લાખને વટાવી શકે તેમ છે. વર્તમાન મોસમમાં (1 અૉક્ટોબરથી અત્યાર સુધીમાં) ખાંડ મિલોએ 14 લાખ ટનના નિકાસ કોન્ટ્રાક્ટ કર્યા છે અને તેમાંથી 6.50 લાખ ટન ખાંડ પરદેશ ચડાવી છે, એમ વેપારીઓ જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer