વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ ગુજરાત આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ ગુજરાત આવશે
વાઇબ્રન્ટ ઉત્સવ અગાઉના દિવસે ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 જાન્યુ. 
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન  નવમી વાઇબ્રન્ટ સમિટ યોજાશે. સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી પહોંચશે. આ દિવસે વડા પ્રધાન મોદી ટ્રેડ શોને ખુલ્લો મૂકશે, તેમજ વીએસ હૉસ્પિટલની પણ મુલાકાત લેશે. સાંજે વડા પ્રધાન રિવર ફ્રન્ટ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને પણ ખુલ્લો મૂકશે. 
18 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદ્દઘાટન કરશે. નવમી વાઇબ્રન્ટ સમિટને ગુજરાત પૂરતી જ નહીં, પરંતુ તેને ઇન્ટરનેશનલ દેખાવ આપવાનું નક્કી કરાયું છે, જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  મહત્ત્વનું છે કે, વાઇબ્રન્ટ સમિટમાં 15 દેશો ભાગીદારો તરીકે જોડાયા છે. અમેરિકા ભલે સમિટમાં પાર્ટનર કન્ટ્રી નથી, પણ યુએસએમાંથી વેપારી પ્રતિનિધિમંડળો આવવાનાં છે. ઉપરાંત 5ાંચ દેશોના વડા, 11 થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ 22 થી પણ વધુ દેશોનાં 115 પ્રતિનિધિમંડળો ભાગ લેનાર છે.  સમિટ માટે 20 હજાર ડેલિગેટ્સએ  અને 26,380 જેટલી કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, આ આંક સમિટ અગાઉના છેલ્લા સપ્તાહમાં વધશે.
રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જેએન સિંહે આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા, સેવા ક્ષેત્રનો વિકાસ અને યુવા સશક્તીકરણ તેમજ એડવાન્સ ટેકનોલોજી જેવાં ક્ષેત્રોને અગ્રીમતા આપવામાં આવશે. 
તા.17મીએ બપોરના 2-30 કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરનાર છે તેમાં યોજાનારી બાયર સેલર મીટમાં 1000 જેટલા વેન્ડરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 543 વેન્ડરોએ નોંધણી કરાવી છે અને 80  જેટલી મોટી કંપનીઓ પણ આમાં ભાગ લેનાર છે. આ પરિપ્રેક્ષ્યમાં શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા થીમ પર યોજાઇ રહેલી વાઇબ્રન્ટ સમિટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નયા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું કદમ બની રહેશે.  
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, દેશમાં સર્વપ્રથમ વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડના આગેવાનો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. આ બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી સહિત રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે. સમિટ દરમિયાન 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર યોજાશે.  બંદરો, વ્યાપાર અને નિકાસ પર વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer