જીએસટી બાદ એસેસરીઝ મોંઘી પડતી હોવાથી

જીએસટી બાદ એસેસરીઝ મોંઘી પડતી હોવાથી
બ્રાન્ડ ઉત્પાદક કંપનીઓએ પોતાના યુનિટ શરૂ કર્યા  
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 જાન્યુ.
જીએસટીના અમલ બાદ મોટા ઉત્પાદકો અને નિકાસકારોની પરેશાની અંગે ફેડરેશન અૉફ ઍસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના અધ્યક્ષ વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે નિકાસકારોને રિફંડ નથી મળતું એ હકકીત છે અને વચ્ચે પીયૂષ ગોયલ કેન્દ્રના ઇન્ચાર્જ નાણાપ્રધાન હતા ત્યારે ફામ તરફથી વિગતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ જીએસટીની કાઉન્સિલમાં પણ આ મુદે વ્યાપક ચર્ચા-વિચારણા થઇ હતી અને માત્ર નિકાસકારોને જ નહીં ઉત્પાદકો સહિત તમામ વેપારી વર્ગને નિશ્ચિત સમયમર્યાદામાં ટૅક્સ રિફંડ મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારે છેલ્લા ચારેક મહિનાથી નિકાસકારો સહિત બાકી હતા એવા ઉદ્યોગોને ટૅક્સ રિફંડ આપવાનું શરૂ પણ કરી દીધું છે. હજુ કેટલીક ટેક્નિકલ ખામીઓના કારણે કેટલાંક ઉદ્યોગોના ટૅક્સ રિફંડ બાકી હશે પરંતુ તે પરત મળશે, એવી ધરપત સરકાર તરફથી ફામને આપવામાં આવી છે. ગૃહ ઉદ્યોગો અને ઉત્પાદકોને જીએસટીના વેગળા સ્લૅબના કારણે પરેશાનીની વાત પણ સરકારના ધ્યાનમાં લાવવામાં આવી હતી, ફામ તરફથી આ મુદે ફરીથી રજૂઆત કરવાની તૈયારી થઇ રહ્યાંનું મહેતાએ જણાવ્યું હતું.  
નાના અને મધ્યમ ઉદ્યોગો આટોપાઇ રહ્યા છે તેમ જ મોટા ઉત્પાદકોને જીએસટીથી ખાસ શું તકલીફો છે તે અંગે ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચરર્સ ઍન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ અતુલ ધનેશાએ કહ્યું હતું કે વેપારી વર્ગની આ મુશ્કેલી પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. ઇમિટેશન જ્વેલરી ગૃહ ઉદ્યોગની શ્રેણીમાં હોવાથી ધનેશાએ કહ્યું હતું કે કેટલાંય નાના-મોટા યુનિટોમાં એસેસરીઝ બનાવવામાં આવે છે, જે મોટા ઉત્પાદકો ખરીદે છે. જૉબ વર્કમાં બનતી આવી એસેસરીઝમાં વપરાતી કાચી સામગ્રી પર અલગ-અલગ જીએસટી લાગે છે, મોટા ઉત્પાદકો આવી અસેસરીઝ ખરીદે ત્યારે તેમને વધુ જીએસટી ચૂકવવી પડે છે અને ઇમિટેશન જ્વેલરી આઇટેમ્સ પરનો જીએસટી ફિક્સ હોવાથી તેનું રિફંડ મળી શકતું નથી. આવી પરિસ્થિતિમાં મોટા ઉત્પાદકોએ ગૃહ ઉદ્યોગોને જૉબ વર્ક આપવાના બદલે પોતે જ એસેસરીઝ બનાવવાનું શરૂ કરી દીધું છે તેથી નાના-મોટા યુનિટો સમેટાવા લાગ્યા છે. આ તો અમારા ઉદ્યોગની વાત થઇ, કેટલીય ઇન્ડસ્ટ્રીઝમાં આવી રીતે મોટા ઉત્પાદકોના જોબવર્કથી એસેસરીઝના ગૃહ ઉદ્યોગો કે નાના-મધ્યમ ઉદ્યોગો ધમધમે છે તે હાલમાં તકલીફમાં મુકાયા છે. આના કારણે સ્કીલ્ડ વર્કરોની રોજગારી પણ ભયમાં મુકાઇ છે. જોકે, અમારી માર્કેટમાં દુકાનોમાં મદદનીશ તરીકે લગભગ અઢીસો માણસોની જરૂર છે પરંતુ આવી નોકરી માટે અમને માણસો નથી મળતા એ પણ હકકીત છે. તેથી રોજગારી નથી એવી બૂમાબૂમ પણ ધારણા પ્રમાણે સાચી નથી. 
ઇલેક્ટ્રિક મર્ચંટ ઍસોસિયેશનની ટૅક્સેશન કમિટીના અધ્યક્ષ યોગેશ ધારિયાએ આ વાતનો પડઘો પાડતા કહ્યું હતું કે નાના અને ગૃહ ઉદ્યોગો જીએસટી લાગુ થયા બાદ તકલીફમાં છે એ વાત અમારા ઉદ્યોગ માટે પણ સાચી છે. જેમ કે બ્રૅન્ડેડ મિક્સર બનાવતી કંપનીઓ પણ મિક્સરની સ્વિચીઝ જેવી એસેસરીઝ બનાવવાનું જૉબ વર્ક ગૃહ ઉદ્યોગોને આપતી આવી છે. પરંતુ હવે આવી એસેસરીઝની આઇટમ્સ ખરીદવા જૉબ વર્કના યુનિટ્સને વધુ કર ચૂકવવો પડે છે અને મિક્સર જેવી મૂળ આઇટેમ્સ પર તો જીએસટી ફિક્સ છે, તેથી મોટા ઉત્પાદકોને કર રિફંડમાં આ તફાવત મોટો થઇ જાય છે. આવા સંજોગોમાં કંપનીઓએ એસેસરીઝ માટે પણ પોતાના યુનિટ્સ શરૂ કર્યા છે, તેથી ગૃહ ઉદ્યોગો અને તેમાં કામ કરનારા કર્મચારીઓની રોજગારી પર ફટકો પડે એ સ્વાભાવિક છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer