કૃષિ નિકાસ વધારવા રાજ્યોને ટ્રાન્સપોર્ટ સબસિડી અપાશે : સુરેશ પ્રભુ

કૃષિ નિકાસ વધારવા રાજ્યોને ટ્રાન્સપોર્ટ સબસિડી અપાશે : સુરેશ પ્રભુ
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર રાજ્યોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવા વિચારી રહી છે. હાલમાં ઉત્તર-પૂર્વીય રાજ્યો કુલ ખર્ચના 90 ટકા સુધીની ટ્રાન્સપોર્ટ સબસિડી મેળવી શકે છે. પ્રભુએ ઉમેર્યું કે તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલ ફોર ટ્રેડ ડેવલપમેન્ટ ઍન્ડ પ્રમોશન (સીટીડીપી)ની બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, કર્ણાટક, ઓડિશા, તામિલનાડુ, પંજાબ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પ્રધાનોએ ભાગ લીધો હતો.
સુરેશ પ્રભુએ જણાવ્યું કે ``રાજ્યોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવાનું અગ્રીમતાથી ધ્યાન ઉપર લેવાઈ રહ્યું છે, જેથી કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ લાવી શકાય. આ બાબતે અમે માત્ર કેટલીક ઔપચારિકતાઓ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છીએ.''
તેમણે ઉમેર્યું કે ``રાજ્યો તરફથી નિકાસ માટે જરૂરી માળખાકીય સેવાઓ સુધારવા જેવી સમસ્યાઓ વિશે ચર્ચા થઈ હતી. અમે જરૂરી માળખાકીય સવલતો વિકસાવવા માટે રાજ્યો સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. તે સિવાય આપણે કૃષિ નિકાસ વધારી શકીએ તેમ નથી.''
નિકાસકારોને ધિરાણ મેળવવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. સુરેશ પ્રભુએ જણાવ્યું કે નાણાકીય સેવાઓના સચિવ બૅન્કો તેમ જ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ સાથે બેઠકો યોજીને આ બાબતે ચર્ચા કરશે. કૃષિ નિકાસ ક્ષેત્રનાં ધિરાણોમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો હોવાથી હવે તેને અગ્રીમતા ધરાવતા ક્ષેત્રને ધિરાણ તરીકે ગણવાં જોઈએ. 
પ્રભુએ કહ્યું કે નિકાસકારોને કરાતાં ધિરાણો લગભગ અડધોઅડધ ઘટી ગયાં છે. તેમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સેવાઓ તેમ જ ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપીને વૈશ્વિક બજારમાં નોંધપાત્ર સ્થાન મેળવવા માટેના શક્ય તમામ રસ્તા શોધવા જણાવ્યું છે. કૃષિ નિકાસ વધવાથી દેશનો જીડીપી વધશે, તેમ જ મોટા પ્રમાણમાં રોજગાર સર્જન થશે. તમામ રાજ્યોએ પોતાની લાક્ષણિકતા તેમ જ ચોક્કસ ઉત્પાદનને આધારે નિકાસ વ્યૂહરચના ઘડવી જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer