ઈન્ફોસીસનો ત્રિમાસિક નફો 30 ટકા ઘટી રૂા. 3610 કરોડ

ઈન્ફોસીસનો ત્રિમાસિક નફો 30 ટકા ઘટી રૂા. 3610 કરોડ
રૂા. 8260 કરોડના શૅરની બાયબૅક કરશે
 
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
દેશની બીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસીસનો ડિસેમ્બર ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 29.62 ટકા ઘટીને રૂા. 3610 કરોડ થયો છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂા. 5129 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીનું ચોખ્ખું વેચાણ વાર્ષિક ધોરણે 20.3 ટકા વધીને રૂા. 21,400 કરોડ થયું છે. જ્યારે ત્રિમાસિક ધોરણે વેચાણ રૂપિયાના મૂલ્યમાં 3.8 ટકા વધ્યું છે. કોન્સ્ટન્ટ કરન્સી ટર્મને હિસાબે વેચાણ 2.7 ટકા વધ્યું છે. 
કંપની બોર્ડે પ્રતિ શૅર લઘુતમ મૂલ્ય રૂા. 800ના કુલ રૂા. 8260 કરોડ મૂલ્યના શૅર બાયબેકની જાહેરાત કરી છે. ઉપરાંત કંપનીએ પ્રતિ શૅર રૂા. 4ના સ્પેશિયલ ડિવિડંડની પણ જાહેરાત કરી છે. કંપનીએ નાણાં વર્ષ-19ની આવક માટેનો અંદાજ સુધારીને કોન્સ્ટન્ટ કરન્સી (સીસી) ધોરણે 8.5 - 9 ટકા કરી છે. જ્યારે ઓપરેટિંગ માર્જિન 22-24 ટકાએ યથાવત્ રાખ્યું છે.  
ઈન્ફોસીસના સીઈઓ અને એમડી સલીલ પારેખે કહ્યું કે, કંપનીના ગ્રાહકોમાં વધારો થતાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ ડબલ ડિજિટ (10.1 ટકા) નોંધાઈ છે. કંપનીના ડિજિટલ બિઝનેસમાં 33.1 ટકાની વૃદ્ધિ થઈ છે, 1.57 અબજ ડૉલરના સોદા થતાં વર્ષ 2019માં અમારો વિશ્વાસ વધ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer