એમ ઍન્ડ એમનો કોન્સોલિડેટેડ નફો 60 ટકા વધી રૂા.1476 કરોડ થયો

મુંબઈ, તા.8 ફેબ્રુ.
મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (એમ ઍન્ડ એમ) અને તેની સબસિડીયરી મહિન્દ્ર વેહિકલ મેન્યુફેક્ચરર્સનો ડિસેમ્બર ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂા.1,476 કરોડ થયો છે. સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 14 ટકા વધીને રૂા.13,235 કરોડ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.11,594 કરોડ હતી. નફાનો ગાળો (અૉપરેટિંગ માર્જિન) 13.2 ટકા હતું, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 14.7 ટકા હતું. વાહનોનું વેચાણ ડિસેમ્બર ત્રિમાસિકમાં 1,33,508 યુનિટ્સનું હતું, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના 1,21,786 યુનિટ્સની સરખામણીએ 10 ટકા વધુ છે. 
કંપનીએ કહ્યું કે, ભારતીય અૉટો ઉદ્યોગ (ટુ-વ્હિલરને બાદ કરતા)માં 0.3 ટકાની વૃદ્ધિ ઘટી હતી. આથી પેસેન્જર વાહનોની વેચાણ વૃદ્ધિ 0.8 ટકા ઘટી (યુટીલીટી વાહનોમાં 2.9 ટકાની વૃદ્ધિ ઘટી) અને એમએચસીવી ગુડ્સ ઉદ્યોગમાં 8.2 ટકાની વૃદ્ધિ ઘટી હતી. 
કંપનીનું ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ સ્થાનિક અૉટોમોટિવ વોલ્યુમ 9.6 ટકા વધ્યું હતું અને એલસીવી (નાના ટ્રક) અને એલસીવી 2-3.5 ટી પીક-અપ સેગમેન્ટમાં વૃદ્ધિ અનુક્રમે 37.5 ટકા અને 14.4 ટકા થઈ હતી. કંપનીએ 9652 વાહનોની નિકાસ કરી છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 36.6 ટકા વધુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer