મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીની નિકાસ માટે છ ક્લસ્ટર્સ વિકસાવાશે

મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીની નિકાસ માટે છ ક્લસ્ટર્સ વિકસાવાશે
દ્રાક્ષ, કેરી, દાડમ, કેળાં, નારંગી અને કાંદાની નિકાસને પ્રોત્સાહન અપાશે
મુંબઈ, તા. 8 ફેબ્રુ.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે વર્ષ 2018માં જાહેર કરેલી દેશની સૌપ્રથમ કૃષિ નિકાસ નીતિના લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે રાજ્યમાં ફળો અને શાકભાજીની નિકાસને પ્રોત્સાહન આપવા છ એક્સપોર્ટ ક્લસ્ટર્સ નક્કી કરાયાં છે. આ ક્લસ્ટર્સ હેઠળ રાજ્યમાં ઊગતાં દ્રાક્ષ, કેરી, દાડમ, કેળાં, નારંગી અને કાંદાની નિકાસ કરાશે.
પુણેની વૈકુંઠ મહેતા નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટમાં તાજેતરમાં કૃષિ નિકાસ નીતિ વિશે ખેડૂતો, નિકાસકારો અને અન્ય સંબંધિત હિતધારકોમાં જાગૃતિ ફેલાવવા સૌપ્રથમ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યશાળાને સંબોધતાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે દેશમાં દર વર્ષે કૃષિ અને બાગાયત ક્ષેત્રે આશરે 60 કરોડ ટન ઉત્પાદન થાય છે અને 30 ટકા તાજા બાગાયાત પાકને કચરામાં ફેંકી દેવો પડે છે. આથી, આવું નુકસાન ટાળવા માટે સપ્લાય ચેઇન તાત્કાલિક મજબૂત કરવાની જરૂર છે. કૃષિને એક ઉદ્યોગ તરીકે ધ્યાન ઉપર લેવાની જરૂર છે. ઉદ્યોગપતિઓએ પણ કૃષિમાં રોકાણ કરવું જોઈએ, જેથી ખેડૂતોની આવક વધી શકે.
સુરેશ પ્રભુએ ઉમેર્યું કે સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને કતારને કૃષિ તેમજ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ માટે સાઉદી અરેબિયા કોલ્ડ ચેઇન અને વેરહાઉસિંગ જેવી સવલતો આપવા તૈયાર છે.
મહારાષ્ટ્ર કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીઝના ચેરમેન પશા પટેલ અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપેડા)ના ચેરમેન પબન કુમાર બોરથાકુર ઉપરાંત રાજ્ય સરકારના અધિકારીઓએ કાર્યશાળામાં ભાગ લીધો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer