દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ રેકર્ડબ્રેક વલસાડમાં 73.66 ટકા મતદાન

બારડોલીમાં 69.47 ટકા  સુરતમાં 61, નવસારીમાં 65 ટકા

શહેરી વિસ્તારમાં ઉત્સાહ ઓછો,  આદિવાસી મતદારોએ રેકર્ડ જાળવ્યો
 
સુરત, તા. 23 એપ્રિલ
સુરત સહિત દક્ષિણ ગુજરાતની બારડોલી, વલસાડ, નવસારી બેઠક માટે રાજ્યમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. દર વખતની માફક આ વખતે પણ આદિવાસી મતદારોએ ઊંચુ મતદાન કરી રેકર્ડ નોંધાવ્યો છે. શહેરી મતદારોને રિઝવવામાં આ વખતે પણ રાજકીય પક્ષો ખાસ સફળ રહ્યા ન હોવાનું સ્પષ્ટ થયું છે. 
સુરતમાં ગત લોકસભામાં 63 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે મતદાનમાં દોઢ ટકાનો ઘટાડા સાથે 61.51 ટકા મતદાન નોંધાયું છે. વલસાડનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરેરાશ 73.66 ટકા મતદાન નોંધાયું છે. બારડોલીમાં 69.47 ટકા અને નવસારીમાં 65 ટકા મતદાન નોંધાયું છે.
એકંદરે દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન નોંધાયું છે. મતદાર યાદીમાં નામ ન હોવાની એકાદ-બે ઘટનાઓને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે. સુરત શહેરનાં નાણાવટ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં બોગસ વૉટિંગની એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ત્રી મતદારની જગ્યાએ એક પુરુષ મતદાર મતદાન કરી આવતાં ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલને ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ બોગસ મતદાનની ફરિયાદનાં તપાસનાં આદેશ આપ્યા છે.
 દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોની વાત કરીએ તો સુરત અને નવસારી બેઠક રાજકીય પક્ષ ભાજપનો ગઢ માનવામાં આવે છે. બન્ને સલામત બેઠકો પર રાજકીય પક્ષનાં કાર્યકરોએ અંતિમ કલાકોમાં મતદારોને મતદાન મથક સુધી લાવવામાં સફળતા મેળવી હતી. બીજી તરફ વલસાડ અને બારડોલી બેઠક માટે આ વખતે રસાકસી જામી છે. કૉંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષે મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા માટે સતત પ્રયાસો કર્યા હોવાનું નજરે પડયું છે.
મતદાન શરૂ થયાનાં સવારનાં ચાર કલાકમાં 30 ટકા મતદાન નોંધાયા બાદ ઉનાળાની ગરમીનાં દિવસો હોવાનાં કારણે બપોરે એકથી ત્રણ કલાક દરમિયાન માત્ર પાંચથી સાત ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આદિવાસી વિસ્તાર ધરાવતી બારડોલી અને વલસાડ બેઠકમાં સમગ્ર દિવસ દરમિયાન મતદારોનો ધસારો અવિરત ચાલુ રહ્યો હતો. ચૂંટણી પંચે તમામ બેઠકો પરનાં મતદાન મથકોએ દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. ડાંગનાં 520 દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે ખાસ વાહનની વ્યવસ્થા રાખીને અંતરિયાળ વિસ્તારનાં દિવ્યાંગ આદિવાસી મતદારોને મતદાન મથક સુધી લાવવા-લઈ જવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer