મકાઈ પાંચ વર્ષની ઉંચાઈએ પહોંચતાં બજારમાં અનિશ્ચિતતાનો માહોલ

મકાઈ પાંચ વર્ષની ઉંચાઈએ પહોંચતાં બજારમાં અનિશ્ચિતતાનો માહોલ
ભારતીય પશુઆહાર ઉત્પાદકો ઊંઘતા ઝડપાયા
મકાઈ વાયદો એક સપ્તાહમાં 7 ટકા અને ડિસેમ્બર 2018ની બોટમથી 17.79 ટકા ઊછળ્યો    
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 જૂન
આંતરરાષ્ટ્રીય મકાઈ બજાર વ્યાપક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ત્રીજા ભાગનો હિસ્સો પૂરો પાડતાં અમેરિકન ખેડૂતોની બાજી પૂર જેવી કુદરતી આફતે બાજી બગાડી નાખી છે.
અલબત્ત, અમેરિકાના કૃષિ ચીજોના સૌથી મોટા આયાતકારોમાંના એક એવા મેક્સિકો સાથેના વેપાર ઝઘડામાં સમાધાનના થતાં બજારે થોડી રાહત અનુભવી છે. અમેરિકન ખેડૂતો આ વર્ષે મકાઈની વાવણી ઘટાડી નાખે તેવી સંભાવના છે. અમેરિકાના મીડ-વેસ્ટ રાજ્યોમાં વધુ વરસાદ, ઠંડા હવામાનની આગાહીઓના પગલે મકાઈની વૈશ્વિક બજારમાં તેજી આવી છે.  
શિકાગો (સીબીઓટી) જુલાઈ ડિલિવરી વાયદો 1 એપ્રિલ 2014 પછીની નવી ઉંચાઈએ 4.45 ડોલર પ્રતિ બુશેલ (25.216 કિલો પ્રત્યેક) બોલાયો હતો. એક જ સપ્તાહમાં વાયદો 7 ટકા અને 31 ડિસેમ્બર 2018ની બોટમ 3.75 ડોલરથી 17.79 ટકા ઊછળ્યો હતો. અમેરિકન સરકારે આ વર્ષે 4 વર્ષના સૌથી ઓછા પાક, 13.7 અબજ બુશેલ (3475 લાખ ટન)ની આગાહી કરી છે. અમેરિકન કૃષિ મંત્રાલયે મે મહિનામાં પાકનો અંદાજ 15 અબજ બુશેલ (3818 લાખ ટન) અંદાજ્યો હતો તેના કરતાં નવો અંદાજ 9 ટકા નીચો મૂક્યો છે. ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો વાવણી માટે જઈ શકતા નથી.
સામાન્ય રીતે અમેરિકામાં મકાઈ વાવણી 10 જૂન સુધીમાં પૂરી થઇ જતી હોય છે, પણ આ વર્ષે માત્ર 83 ટકા થઇ શકી હતી. ખેડૂતો 928 લાખ એકરમાં મકાઈ વાવણી કરે તેવી ધારણા માર્ચમાં હતી, પણ વાવેતર 898 લાખ એકરમાં જ થયું હતું. મે મહિનાથી આરંભાયેલી વાવણી જૂન સુધીમાં ઘટેલી વાવણીને કારણે યુએસડીએનો અંદાજ છે કે એકર દીઠ ઊપજ ઉતારો (યીલ્ડ) અગાઉના અનુમાન કરતાં 10 બુશેલ ઘટીને 166 બુશેલ આવશે. 2013માં સૌથી ઓછું યીલ્ડ 158.1 બુશેલ આવ્યું હતું.  
યુએસડીએ હવે 28 જૂને નવો વાવેતર વરતારો વધુ સ્પષ્ટ રીતે રજૂ કરશે. ખેડૂતોમાં હવે એવો પણ ભય વ્યાપ્ત છે કે એક તરફ વાવેતર ઘટ્યું છે, હવે ઊપજ ઓછી આવતાં નફામાં પણ મોટું ગાબડું પડશે. યુએસડીએએ એવું પણ કહ્યું છે કે ચીન અને અન્ય દેશો સાથેની વેપાર સાઠમારીને પગલે મકાઈ નિકાસ 1000 લાખ બુશેલ અને સોયાબીન 750 લાખ બુશેલ ઓછી થશે. મકાઈ બજારમાં આવેલા આવા ઉછાળાને પગલે છેલ્લાં પાંચ છ વર્ષથી સંઘર્ષ કરતા ભારત સહિતના જગતભરના પશુઆહાર ઉત્પાદકોની 2019-20માં મુશ્કેલીઓનો પાર નહિ રહે. 
એક ભારતીય પશુઆહાર ઉત્પાદકે કહ્યું હતું કે પશુપાલકોને હવે અન્ય વૈકલ્પિક અને સસ્તા આહાર માટે પ્રયાસો આરંભવા પડશે. તેમણે કહ્યું હતું કે અમે જોતા આવ્યા છીએ કે પશુઆહારનો એક કાચો માલ મોંઘો થતાં અન્ય કાચા માલોના ભાવ સમાંતર વધવા લાગતા હોય છે. અત્યારે તો અમે ઊંઘતા ઝડપાઈ ગયા છીએ. અમે માનીએ છીએ કે જૂન અંતે યુએસડીએ નવો એકરેજ અંદાજ રજૂ કરશે ત્યારે વાવેતરમાં વધુ ઘટાડાનો આંકડો આવશે, એમ આ પશુઆહાર ઉત્પાદકે કહ્યું હતું. યુએસડીએ એ 2019-20ના સરેરાશ મકાઈ ભાવ, મેના અંદાજ કરતાં 50 સેન્ટ પ્રતિ બુશેલ વધારીને 3.50 ડોલરની આગાહી કરી છે, મે મહિનામાં વર્તમાન વર્ષે સરેરાશ 20 સેન્ટનો ભાવ વધારો અંદાજ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer