રાજ્યના ઉદ્યોગો આસપાસનું વાતાવરણ અને પાણી શુદ્ધ કરશે

યુનાઇટેડ નેશન્સના નિયમોનું અનુસરણ ઉદ્યોગો કરવા લાગ્યા  
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25 જૂન 
ઔદ્યોગિકરણના કારણે દિવસેને દિવસે વાતાવરણ બગડતું જાય છે. ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ ઊભી થઈ છે. જો વાતાવરણ ખરાબ થતું ગયું તો પછી વિકાસ વિનાશ બની જશે, કાંઈક આવી ચિંતા રાખીને યુનાઇટેડ નેશને દરેક મોટા ઉદ્યોગો માટે માપદંડ નક્કી કર્યા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના નામથી હવે ઉદ્યોગોમાં નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. નવા નિયમો પ્રમાણે કંપનીઓએ પ્લાન્ટમાં ફેરફારો કરીને વાતાવરણને શુદ્ધ બનાવવું પડશે. હવે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ આ નિયમોનું પાલન થવા લાગ્યું છે. 
અમદાવાદ ખાતે આવેલી કંપની કેડિલા ફાર્માએ પણ આ નિયમ મુજબ પોતાના પ્લાન્ટમાં ફેરફાર કર્યા છે. ધોળકામાં આવેલા પ્લાન્ટમાં ઍકલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે યુનોએ સૂચિત કરેલ છે તે મુજબ ફેરફાર કરીને કંપની અને આસપાસનું વાતાવરણ વધુ શુદ્ધ કર્યું છે.  
જાણકારોના કહેવા મુજબ પ્લાન્ટમાંથી નીકળતો કચરો પણ શુદ્ધ કરીને છોડવામાં આવે છે જેથી તેની કોઈ નકારાત્મક અસર ન રહે. જો આ પદ્ધતિથી આગળ વધવામાં આવે તો અમદાવાદ આસપાસ આવેલા પ્લાનથી જે જમીનમાં ગંદુ પાણી ઉતરેલું છે તે શુદ્ધ થઇ જશે, કારણ કે દૂષિત પાણીમાં રહેલા હાનિકારક તત્વો આનાથી નીકળી જાય છે.  
ગુજરાતની મોટી કંપની જેમ કે  રિલાયન્સ, તાતા, અદાણી જેવી કંપની તો પહેલાથી જ આવા નિયમોનું પાલન કરે છે પરંતુ માધ્યમ અને નાના કદની કંપનીએ પણ આવા નિયમોનું પાલન કરવું પડશે જેનાથી કુદરતને થઇ રહેલું નુક્સાન અટકશે. શહેરની આસપાસ આવેલા પ્લાન્ટના કારણે લાંબા ગાળે શહેરની હવા અને પાણી પણ શુદ્ધ થશે. 
સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સથી પાણી અને વાતાવરણને શુદ્ધ બનાવવાને અગ્રતા આપવામાં આવે છે. આ પદ્ધતિથી આસપાસના પર્યાવરણની જાળવણી થવાની સાથે સાથે કચરાનું સલામત શુદ્ધીકરણ થાય છે અને પ્લાન્ટની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહેશે. આ સમગ્ર પ્રક્રિયામાં ન્યૂટ્રલાઈઝેશન ટેન્કના બાંધકામનો પણ સમાવેશ થાય છે, જેમાં પીએચ સુધારવા માટે તેમાં રસાયણો ઉમેરવામાં આવશે અને કચરો કોએગ્લુએશન-ફ્લોક્યુલેશનને આધિન રહેશે. 
આ ઉપરાંત ક્લેરિફ્લોક્યુલેટરની પ્રક્રિયામાં સેકન્ડરી ટ્રીટમેન્ટ કરતાં મુખ્ય ક્લેરિફાઈન યુનિટ દ્વારા પાણી તથા અન્ય ચીજોનું શુદ્ધીકરણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ઔદ્યોગિકરણના પગલે વાયુ પ્રદૂષણ હદ બહાર વધી ગયું છે અને આ પ્રદૂષણ રોકવા માટે હવે યુનાઇટેડ નેશનની માર્ગદર્શિકા અમલમાં આવવા લાગી  છે. અમદાવાદ સહિત ગુજરાતની અન્ય કંપની પણ પોતાના પ્લાન્ટમાં આવા સુધારા આગળ પણ ચાલુ રાખશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer