ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી, કડાણા ડેમમાં પણ નવા નીરની આવક

હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા.25 જૂન
રાજ્યમાં અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળનું લો પ્રેશર વરસાદી માહોલ લઇને રાજ્ય તરફ આવી રહ્યું છે તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે,  જોકે, સારબકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. વરસાદને પગલે ખેડૂતોએ ઝડપભેર વાવેતર કરવા માંડયું છે. સૌરાષ્ટ્રમાં ઓરવીને કરવામાં આવતું વાવેતર વેગવંતુ બન્યું છે.
 અમદાવાદમાં પણ બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 57.87 મિલિ. એટલે કે  6.96 ટકા થયો છે. તો બીજી બાજુ રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન બાદ મહત્ત્વપૂર્ણ ડેમોમાં પણ પાણીની  આવક નોંધાઇ  છે.  ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર પહોંચી ગઇ છે. તો કડાણા ડેમમાં પણ 15500 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. 
જળસંપત્તિ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 6440 ક્યુસેક પાણીની આવક થતા ડેમના સ્તરમાં વધારો થયો છે. હાલમાં નર્મદા મુખ્ય કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવકને જોતા આગામી 10 દિવસમાં પાવર હાઉસના બે ટર્બાઇન ચાલુ કરવામાં આવશે. 
બીજી તરફ મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. કડાણા ડેમમાં આવેલ પાવર હાઉસનું એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ પાણીની આવક 15500 ક્યુસેક નોંધાઇ છે જ્યારે જાવક 5100 ક્યૂસેક છે. જોકે, પાવરહાઉસ મારફતે 5100 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી સપાટીમાં વધારો નહિવત નોંધાયો છે. 
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ, રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 113 તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં 67 મી.મી. વરસાદ થયો છે. જ્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 64 મી.મી. વરસાદ પડયો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલમાં 54 મી.મી., ભાવનગરમાં 52 મી.મી., ખેડાના કપડવંજમાં 48 મી.મી., મોરબી જિલ્લા વાંકાનેર અને ભરૂચના નેત્રંગમાં 40-40 મી.મી. વરસાદ નોંધાયો છે. 
મોસમનો વરસાદ જોઇએ તો રાજ્યમાં ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને તલાલા એમ બે તાલુકામાં 251 મી.મી. થી 500 મી.મી. સુધીનો વરસાદ પડયો છે. રાજ્યના 21 તાલુકાઓમાં 126 મી.મી.થી 250 મી.મી. , 98 તાલુકાઓમાં 51 મી.મી.થી 125 મી.મી. અને 128 તાલુકાઓમાં 0થી 50 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer