બજેટ કરદાતાઓ માટે પડકારરૂપ સમય લાવનારું પુરવાર થશે

બજેટ કરદાતાઓ માટે પડકારરૂપ સમય લાવનારું પુરવાર થશે
વ્યાપાર આયોજિત સેમિનારમાં સીએ દિલીપ લાખાણી અને ઍડ. શૈલેષ શેઠ 
વિશેષ સંવાદદાતા  
મુંબઈ, તા. 9 જુલાઈ 
આવકવેરો અને જીએસટી સહિત અન્ય વેરા ભરનારાઓ માટે આકરો સમય આવી રહ્યો હોવાની ચેતવણી ડાયરેક્ટ ટૅક્સના નિષ્ણાત સીએ દિલીપ લાખાણી અને જીએસટી સહિત આડકતરા વેરાના નિષ્ણાત ઍડવોકેટ શૈલેષ શેઠે આપી છે. 
ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરમાં સોમવારે વ્યાપાર દ્વારા આયોજિત બજેટ સેમિનારમાં બોલતાં આ બન્ને કર નિષ્ણાતોએ તેમનાં ક્ષેત્રને સ્પર્શતી બજેટ દરખાસ્તોનું વિવરણ કર્યું હતું. દિલીપભાઈએ કહ્યું કે  આ વર્ષ (2019-20) માટે આવકવેરાની આવકનો અંદાજ રૂા. 13.50 લાખ કરોડનો નક્કી કરાયો છે જે બાકીના નવ મહિનામાં સરકારને સિદ્ધ કરવો મુશ્કેલ હશે. આમ છતાં સરકારે આપેલો ટાર્ગેટ પૂરો કરવા માટે આવકવેરા ડિપાર્ટમેન્ટ આક્રમક બનશે, એવી શક્યતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે કર વસૂલી માટેના સર્વે સામાન્ય રીતે જાન્યુઆરીથી શરૂ થતા હોય છે, પણ આ વર્ષે અત્યારથી જ સર્વે શરૂ થઇ ગયા છે અને અધિકારીઓને તેમના ક્વોટા પણ આપી દેવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ટૅક્સ ડિમાન્ડની સામે કરદાતા અપીલમાં જાય એટલે તેણે  ડિમાન્ડના 20 ટકા ભરી દેવા પડે છે. 
બજેટમાં 2 કરોડથી વધુ વાર્ષિક આવક ઉપર વેરા ઉપરનો સરચાર્જ વધારવાની દરખાસ્તને છેતરામણી ગણાવતાં દિલીપભાઈએ કહ્યું કે હકીકતમાં આ સરચાર્જ રૂા. 2.50 લાખથી વધુ કરપાત્ર આવક ધરાવતા તમામ વર્ગના કરદાતાને લાગુ થશે.  એટલે બે કરોડથી ઓછી આવક ધરાવતા કરદાતાઓની એકંદર કર જવાબદારીમાં પણ વધારો થશે.  ફેસલેસ ક્રૂટિનીની દરખાસ્ત વિષે વધુ સ્પષ્ટતા જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.  
શૅર બાયબેક ઉપર 20 ટકા ટૅક્સ દરખાસ્તની આલોચના કરતા તેમણે કહ્યું કે આનાથી લિસ્ટેડ કંપનીઓના હાથમાં શૅરહોલ્ડર્સને વહેંચવા માટેની રકમ ઓછી થશે, જેનું કંપનીઓ  પુન:રોકાણ કરવા માટે વાપરે તેવો ઈરાદો સરકારનો હોઈ શકે.  
બજેટમાં સોવરિન બોન્ડ લાવવાની દરખાસ્ત વિષે દિલીપભાઈનું માનવું હતું કે અત્યારે એસબીઆઇના બોન્ડ ઉપર વિદેશમાં જે વળતર છૂટે છે તેના ઉપરનું પ્રીમિયમ ગણીએ તો સરકારને સોવરિન બોન્ડમાં  વ્યાજખર્ચમાં વિશેષ બચત નહીં થાય. 
ઍડ. શૈલેષ શેઠે જીએસટી કાઉન્સિલની બે વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવતાં કહ્યું કે જીએસટીને લાગે વળગે છે ત્યાં સુધી તેની કામગીરી  સંસદની પણ વધી જાય છે. બજેટ જીએસટી માટે ઘટનાવિહીન હોવાનું કહેતાં શૈલેષભાઈએ ઉમેર્યું કે કરદાતાઓ માટે મુશ્કેલ સમય આવી રહ્યો છે, અથવા કહો કે તે શરૂ થઇ ગયો છે. 
નાણાં ખરડામાં પાછલી મુદતથી કરવામાં આવેલા સીધા વેરા અને જીએસટીમાં સુધારાની ટીકા દિલીપભાઈએ અને શૈલેષભાઈએ કરી હતી. લિસ્ટેડ કંપનીના બાયબેક ઉપરનો સુધારો બજેટના દિવસથી - પ જુલાઈથી અમલમાં લાવી દેવાયો છે, જ્યારે જીએસટીમાં ત્રણ સુધારા પાછલી મુદતથી કરવામાં આવ્યા છે. સરકાર માટે જીએસટીની માસિક આવક સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવાનું મુશ્કેલ હશે તેવો તેમનો મત હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer