વરસાદ ખેંચાતાં કપાસિયા-ખોળમાં તેજી

અઠવાડિયામાં ખોળનો ભાવ રૂા.70 સુધી ઊંચકાઇ ગયો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 જુલાઈ
વરસાદની ખેંચને લીધે કપાસના વાવેતર જોખમમાં આવી જતાં હવે કપાસિયા અને ખોળમાં તેજીનો વાયરો ફૂંકાયો છે. પાછલા સપ્તાહમાં કપાસિયા સંકરનો ભાવ રૂા. 20-25 વધી ગયો છે. ખોળમાં પણ સૌરાષ્ટ્રનો ભાવ રૂા. 50-70 જેટલો ઊંચકાયો છે.
સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ એસોસિયેશનના પ્રમુખ અવધેશ સેજપાલ કહે છે, કપાસિયા અને કપાસિયા ખોળના સ્ટોક ખૂબ ઓછા છે એ કારણ તેજી માટે જવાબદાર છે. પરંતુ વરસાદનું કારણ એમાં ભળતાં હવે ઝડપી તેજી આવી છે. કપાસનું મોટા ભાગનું બિયારણ પાણીની અછતને લીધે બળી ગયું છે ત્યારે હવે વરસાદ સારો થઇ જાય તો જ ફેરવાવેતર થાય એમ છે. કપાસની નવી સિઝન મોડી થશે અને પાક પણ ઘટશે એવા ગણિતો અત્યારે મંડાઇ રહ્યાં છે. 
કપાસિયા સંકરનો ભાવ રૂા. 635-650 સુધી ઊંચકાઇને બોલાઇ રહ્યો હતો. 50 કિલો સારી મિલોનો ખોળ રૂા. 1600-1620માં મળતો હતો. નાની મિલો રૂા.1550-1575 સુધી બોલી રહી હતી.
વેપારી વર્ગના અનુમાન પ્રમાણે કપાસિયાનો સ્ટોક 28 હજાર ગાડી જેટલો હોવો જોઇએ પરંતુ તેની સામે સ્ટોકમાં ફક્ત સાડા ચાર હજાર ગાડી પડી હોવાનો અંદાજ છે. નવી સિઝન સુધી ચાલે તેટલો સ્ટોક નથી એટલે તેજી થઇ છે. ખોળમાં પણ સ્ટોકની સ્થિતિ વિકટ છે. ગયા વર્ષમાં 25-28 લાખ ગૂણીનો સ્ટોક હતો. તેની સામે ફક્ત 8-9 લાખ ગૂણી સ્ટોક હોવાનું માનવામાં આવે છે. વેપારીઓના મતે હજુ દોઢથી બે માસ નવી સિઝન આડે બાકી છે ત્યારે પુરવઠો પર્યાપ્ત નથી. નવા કપાસિયા આવે ત્યારે એમાં મિક્સ કરવા માટે જૂના કપાસિયા વપરાતા હોય છે પણ આ વખતે કદાચ સ્ટોક બચશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer