રિટેલર્સ દ્વારા કોર્ટમાં જાહેર હિતની અરજી નોંધાવવાની વિચારણા

એપીએમસી સેસ રદ નહીં થાય તો
દુકાનદારોને તાળા મારવા પડશે: ગ્રેન ડિલર્સ ઍસો.
મણિલાલ ગાલા
મુંબઈ, તા. 15 સપ્ટે.
કેન્દ્ર સરકારે એપીએમસી નિયમન રદ્દ કરી દીધું છે પણ મંડીઓમાંથી સેસ રદ કરવાનું રાજ્ય સરકારો પર છોડી દીધું છે. જો મહારાષ્ટ્ર સરકાર તાત્કાલિક ધોરણે ખેતપેદાશોને એપીએમસી નિયમનમાંથી મુક્ત નહીં કરે તો એપીએમસી બજારોમાંથી માલ ખરીદનાર લાખો છૂટક દુકાનદારોની હાલત કફોડી થશે અને તેમને દુકાનો બંધ કરવાનો વારો આવશે.
મુંબઈમાં 9000થી વધુ રિટેલ દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરતાં મુંબઈ અને ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ એપીએમસીમાંથી સેસ નાબૂદ કરવાની માગણી કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મંડી બહાર વેપાર કરવાની છૂટ આપી દીધી છે. એટલે કે ખેડૂતો કોઈને પણ ક્યાં પણ તેમની કૃષિ પેદાશો વેંચી શકશે. જેનો ફાયદો મલ્ટિનેશનલ કંપનીઓને, સુપરમાર્કેટો અને મોટા વેપારીઓને થશે. તેઓ દરેક વસ્તુના ભાવ પોતાના અંકુશમાં રાખશે. છૂટક તેમ જ મંડીના વેપારીઓને તેમનો વેપાર બંધ કરવાનો વારો આવશે. 
છેડાએ જણાવ્યું હતું કે છૂટક દુકાનદારોને એપીએમસીમાંથી માલ મંગાવવો પડતો હોવાથી તેમનો ખર્ચ વધે છે અને પરિણામે તેઓ મૉલ-સુપરમાર્કેટો સામે સ્પર્ધા કરી શકશે નહી. કોરોના મહામારી દરમિયાન છૂટક દુકાનદારોએ આપેલી અવિરત સેવાઓ સરકાર અને ગ્રાહકો બન્ને માટે લાભદાયી સાબિત થઈ છે.
મૉલ અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ સીધો માલ મંગાવતી હોવાથી  તેમનાં ભાવ અને છૂટક દુકાનદારોનાં ભાવમાં ફરક થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `એક રાષ્ટ્ર એક ટૅક્સ' નું સૂત્ર આપ્યું છે. તેનું પાલન રાજ્ય સરકારે કરવું જરૂરી છે. જો એપીએમસી સેસ રદ કરવામાં નહીં આવે તો હોલસેલ વેપાર અને માળખાકીય સવલતોનો કોઈ ઉપયોગ નહીં રહે.
રમણીકભાઈએ જણાવ્યું હતું કે જો સેસ નાબૂદ કરવામાં નહીં આવે તો છૂટક દુકાનદારો અને મંડીની હોલસેલ વેપારીઓ આંદોલનમાં મૂડમાં જણાઈ રહ્યા છે.
તેમણે કહ્યંy હતું કે, આ સંબંધમાં અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશું અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવા વહેલી તકે એપોઇન્ટમેન્ટ માગીશું.
દરમિયાન નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ અને કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડએ (કેઈટ)ના વરિષ્ઠ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું કે અમે લાંબા સમયથી માગણી કરી રહ્યા છીએ કે રાજ્ય સરકારે એપીએમસી સેસ રદ કરીને માર્કેટો ચલાવવા ચોરસ ફૂટ દીઠ  મેઈનટેનન્સ ચાર્જ વસૂલ કરવામાં આવે. સરકારનો બેવડાં ધોરણ ચાલે નહીં. માર્કેટોની અંદર સેસ અને બહાર મુક્ત વ્યાપાર? આ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. સેસ નાબૂદ કરવાની માગણી કરતાં જનહિતની અરજી કરવાનું અમે વિચારી રહ્યા છીએ.
તેમણે કહ્યંy હતું કે, માર્કેટ બહાર નિયમન મુક્તિ અને અંદર સેસ ચાલુ આથી માર્કેટમાં આવતી કરિયાણા, તેજાના, ડ્રાયફ્રૂટ્સની એક ગાડી પર અંદાજો દસ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે. આથી માર્કેટો અંદરનો હોલસેલ વેપાર બંધ થઈ જશે, માર્કેટો બહાર ડિલિવરી અને સપ્લાય વધી જશે. હોલસેલ માર્કેટોનો કોઈ વજૂદ નહીં રહે. મહારાષ્ટ્ર સરકારે આ ભેદભાવ તત્કાળ દૂર કરવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer