કોરોનાની રસીનું નવેમ્બરમાં વિતરણ કરવા ફાઈઝર તૈયાર

એજન્સીસ
નવી દિલ્હી, તા. 16 અૉક્ટો.
અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની ફાઈઝરે નવેમ્બરના અંત સુધીમાં કોરોનાની રસી વિકસાવવા અંગે આશાવાદ પ્રગટ કર્યો છે.
નવેમ્બરના અંત સુધીમાં રસીની સુરક્ષિતતા વિશેની માહિતી સત્તાવાળાઓને પૂરી પાડીને તેનું ઉત્પાદન હાથ ધરવાની પરવાનગી માગવાની તેની યોજના છે. માણસો પર ચાલી રહેલા પ્રયોગોમાં રસી અસરકારક અને સુરક્ષિત જણાય તો જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને તેનું ઉત્પાદન કરવા માટે પરવાનગી માગવામાં આવશે એમ ફાઈઝરે એક નિવેદનમાં જણાવ્યું છે.
આ પહેલી જ વાર ફાઈઝર કે કોઈ પણ અગ્રણી પાશ્ચાત્ય કંપનીએ કોરનાની રસી શોધવા વિશે સ્પષ્ટ સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં રસીની અસરકારકતા - પ્રયોગમાં ભાગ લેનારા લોકો પૈકી બહુમતી લોકોને રોગથી બચાવવાની ક્ષમતા - વિશેની માહિતી મળી જવાની ફાઈઝરની ધારણા છે. રસી સુરક્ષિત હોવા વિશેની માહિતી નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં મળી જશે એવી તેની ધારણા છે.
આ સમયમર્યાદાનું પાલન થઈ શકે તો વર્ષના અંત સુધીમાં અમેરિકન સત્તાવાળાઓ તેને માન્યતા આપી શકે અને આખા વિશ્વને ધમરોળનાર મહામારીને નાથવાની દિશામાં પ્રથમ પગલું લઈ શકાય એમ રોઈટરનો અહેવાલ જણાવે છે. ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોર્લાએ કંપનીની વેબસાઈટ પર મૂકેલા પત્રમાં કહ્યું છે કે રસીની પેટન્ટ અને ઉત્પાદન માટે પરવાનગી માગવાનો આધાર આવશ્યક માહિતી સમયસર મળવા પર છે.
ફાઈઝર અને બાયોએનટેક વર્ષના અંત સુધીમાં રસીના 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવા માગે છે. જોકે, પ્રથમ બેચ માત્ર 50 લાખ લોકો પૂરતો હશે, કેમ કે આ રસી બે હિસ્સામાં અપાશે. પહેલા પ્રાથમિક રસી અને ત્યાર પછી બૂસ્ટર ડોઝ. અત્યાર સુધીમાં કેટલા ડોઝનું ઉત્પાદન થઈ ચૂક્યું છે તે આ બે કંપનીઓએ જાહેર કર્યું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer