મલયેશિયા ચીનને 17 લાખ ટન પામતેલ વેચશે

મલયેશિયા ચીનને 17 લાખ ટન પામતેલ વેચશે
ભારતની માગ પરનો આધાર ઘટાડવાની રણનીતિ 
ડી. કે 
મુંબઇ તા. 16, ઓક્ટો.
 પામતેલની નિકાસ માટે ભારતીય બજાર પરની  નિર્ભરતા ઘટાડવાની ગણતરી સાથે મલયેશિયાએ ચીનને પામતેલ વેચવાનો તખ્તો તૈયાર કર્યો છે. તે અંતર્ગત ચીન મલયેશિયા પાસેથી 2023 સુધીમાં 17 લાખ ટન પામતેલની ખરીદી કરશે. પરિણામે ભારતનાં ખાદ્યતેલોના બજારને અસર થઇ શકે છે. 
છેલ્લા થોડા સમયથી ભારત સરકાર દેશની પામતેલની જરૂરિયાત પુરી કરવા માટે ઇન્ડોનેશિયા તથા મલેશિયા વચ્ચે ભાવની સ્પર્ધા કરાવે છે. પરંતુ હવે ચીને મલેશિયા પાસેથી વર્ષ 2023 સુધીમાં 17 લાખ ટન પામતેલ ખરીદવાની પ્રતિબધ્ધતા જાહેર કરતાં મલયેશિયાએ પામતેલ વેચવા માટે ભારતનાં આશરે રહેવું નહીં પડે. 
વિશ્વમાં પામતેલની નિકાસમાં પ્રથમ ક્રમાંકિત ઇન્ડોનેશિયાએ ગત વર્ષે 275 લાખ ટન પામતેલની નિકાસ કરી હતી. ત્યાર બાદ બીજા ક્રમે આવતા મલયેશિયાએ 2019-20 ના વર્ષમાં 163 લાખ ટન પામતેલની નિકાસ કરી હતી. હવે તેની કુલ નિકાસનો આશરે પાંચથી 10 ટકા જેટલો હિસ્સો તો ચીન જ લઇ જવા માટે રાજી થયું છે. મલેશિયા તથા ચીનનાં વિદેશ મંત્રીઓની બેઠક બાદ મલયેશિયન વિદેશ મંત્રી હિસામુદ્દીને જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે વહેલી તકે એક સમજૂતિ કરાર થશે જેમાં પામતેલની ખરીદી ઉપરાંત કોવિડ-19 ના સમયગાળા બાદ બન્ને દેશો સાથે મળીને કેવી રીતે વિકાસ સાધી શકે તે માટે પણ એકબીજાને સહયોગ કરશે. 
મલયેશિયન પામ ઓઇલ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે આ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં મલયેશિયાની પામતેલની ચીનમાં નિકાસ 438747 ટન એટલે કે 31.1 ટકા જેટલી વધીને 1848400 ટને પહોંચી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer