અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 અૉકટો.
દક્ષિણ ગુજરાતમાં દાળ-કઠોળના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. બજારમાં માલની ખેંચ છે, ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે અને નવો પાક અને આયાતી માલને આવવાને વાર છે. તેથી વિવિધ કઠોળમાં ભાવ વધી ગયા છે.
તુવેરદાળમાં છેલ્લા 10 દિવસમાં ક્વિન્ટલે રૂા. 1500થી 2000નો ઝડપી ઊછાળો આવ્યો છે. આયાતી તુવેરનો જથ્થો બજારમાં લગભગ એક મહિના પછી આવવાની સંભાવના છે. ત્યાં સુધી તુવેરદાળના ભાવ ઘટવાની શક્યતા જણાતી નથી.
અડદ ઉત્પાદિત વિસ્તારોમાં સતત વરસાદ રહ્યો હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં અડદના પાકને નુકસાન થયાના અહેવાલથી અડદદાળના ભાવમાં ક્વિન્ટલે રૂા. 2000 જેવો ઉછાળો આવ્યો છે. સરકારે અડદની આયાત માટે છૂટ આપી છે, પરંતુ આયાતી માલ બજારમાં આવે નહી ત્યાં સુધી ભાવ મચક નહીં આપે તેવું વલસાડના વેપારીઓનું જણાવવું છે.
મગનું વાવેતર ઘણું સારું થયું હતું. ભારે વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે. તેથી મગના ભાવમાં ક્વિન્ટલે રૂા. 800-1000નો ઉછાળો આવ્યો છે.
અત્યારે ચણાનો જથ્થો ઓછો થઈ રહ્યો છે. નવો પાક કારતક મહિના પછી આવશે. તેથી ચણાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને છેલ્લા 15 દિવસમાં દેશી અને કાબુલી ચણાના ભાવ ક્વિન્ટલે રૂા. 700-1000 જેવા વધી આવ્યા છે.
હાલમાં મસૂર-મસૂરદાળની બજાર ક્વિન્ટલે રૂા. 100થી 200 જેવી ઊંચકાઈ ગઈ છે. અન્ય દાળ-કઠોળના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હોવાથી મસૂર-મસૂરદાળમાં ભાવ હજી વધવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. મોટાભાગના ખેતરોમાં ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે. સિઝનના આરંભમાં ડાંગરના નવા પાકની આવકો રાઈસ મિલમાં આવવી શરૂ થશે.
ગયા વર્ષે દેશમાં ડાંગરોનો પાક સારો રહ્યો હોવાથી વર્ષ દરમિયાન ભાવ જળવાઈ રહ્યાં હતાં. આ સિઝનમાં પણ ડાંગરનો પાક સારો આવ્યો છે. તેથી ભાવ જળવાઈ રહેવાની ધારણા જથ્થાબંધ વેપારીઓ તથા રાઈસ મિલરોએ વ્યક્ત કરી છે. હાલમાં વિવિધ ગુણવત્તા ધરાવતાં ચોખાના ભાવ અને પુરવઠો જળવાઈ રહ્યો છે.