રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 13 ટકા : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી 
ગાંધીનગર.તા. 27 નવે. 
દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેવું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતા સમયે જણાવ્યું હતુ. 
રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે 11 ગીગાવોટનું ઉત્પાદન છે. રુપાણીએ સંબોધન કરતાં એમ પણ જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી ક્ષમતા 89,ર30 મેગાવોટ છે તેની સામે ગુજરાતે 11,ર64 મેગાવોટનું યોગદાન આપેલું છે.  
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતુ.  ઊર્જા પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખૂલી છે તો સાથોસાથ નાગરિકો-લોકોને પણ સ્વચ્છ ઊર્જા મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે 1 લાખ 70 હજાર રહેણાંક મકાનોને સૌર ઊર્જા વપરાશનો લાભ મળ્યો છે એમ પણ મુખ્યપ્રધાનએ 
ઉમેર્યુ હતું.  
આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસીડેન્શીયલ રૂફટોપ યોજના `સૂર્ય ગુજરાતનો' 6પ હજાર લાભાર્થીઓને આપીને 190 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. રિન્યુએબલ એનર્જીના ઉપયોગમાં પણ જનભાગીદારી જોડવા સાથે સરળ નીતિઓથી પ્રોત્સાહન અપાયું છે. ર010માં નરેન્દ્ર મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આજે હવે તેમનું આ કદમ `વન સન વન વર્લ્ડ વન ગ્રીડ'નો માર્ગ ચીંધી રહ્યું છે. આમ હવે ચારણકા બાદ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer