કફર્યુમાં રેલ્વે સ્ટેશને મહિલાઓ, સિનિયર સિટિઝન્સને રાહત
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 27 નવે.,
સુરતમાં રાત્રિ કર્ફ્યુને લીધે રેલવે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, બાળકો અને મહિલા મુસાફરો કે જેઓની પાસે પોતાના વાહનની સગવડ નહીં હોય તેઓને ઘર સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓ નડી રહી છે. દક્ષિણ ગુજરાત ચેમ્બરે મુસાફરોને ઘરે 5હોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે. ચેમ્બરે કુલ 25 કારની વ્યવસ્થા કરી છે. જેના દ્વારા સિનિયર સીટીઝન, મહિલાઓ અને બાળકોને નિ:શુલ્ક ઘરે પહોંચાડવામાં આવશે.
ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરાય છે અને ત્યારબાદ જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવે છે.
પ્રથમ દિવસે ચેમ્બરે પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી 40 વર્ષની એક મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ શકયો ન હતો તેમને તેઓના ઘર સુધી પહોંચાડયા હતા. આ રીતે અનેક પરિવારો કે એકલા આવેલા મુસાફરોને ઘેર પહોંચાડાયા હતા. ચેમ્બરની સાથે આખી વ્યવસ્થામાં રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ જોડાયો હતો. આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી 500 જેટલા બેરીકેડ્સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે. ચેમ્બરના આ કાર્યમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ આશિષ ગુજરાતી સહિતના હાજર રહ્યા હતા.
સુરત ચૅમ્બર મુસાફરોને કારમાં ઘેર પહોંચાડશે
