કાંદાના સ્ટોકને નુકસાન થયાના અહેવાલે ભાવમાં વધારો

કાંદાના સ્ટોકને નુકસાન થયાના અહેવાલે ભાવમાં વધારો
નાસિક, તા. 28 સપ્ટે. 
મહારાષ્ટ્રના નાસિકમાં છેલ્લા 10 દિવસમાં કાંદાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.750 વધ્યાં છે. જોકે, આવતા મહિને ખરીફ કાંદાની આવક થતાં દક્ષિણ ભારતમાં કાંદાના ભાવ વધવાની શક્યતા ઓછી છે. 
નાસિકના એક નિકાસકારે કહ્યું કે, કાંદાનાં સ્ટોરેજનાં સ્ટોકને નુકસાન થયું હોવાથી વેપારીઓએ ભાવમાં વધારો કર્યો છે. પરંતુ ખેડૂતો બજારમાં નવો પાક લાવે તે માટે તેમને લલચાવવા માટે ભાવમાં વધારો કર્યો હોવાનું કહેવાય છે. 
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મુજબ વર્તમાનમાં કાંદાનો મોડલ ભાવ લાસલગાંવ એગ્રિકલચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં કાંદાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,150 નક્કી કર્યો છે, જે 13 સપ્ટેમ્બરે રૂ.1,400 હતા. 
એગ્રી કોમોડિટીઝ એક્સપોર્ટ્સ એસોસિયેશન (એસીઈએ)ના પ્રેસિડેન્ટ એમ મદન પ્રકાશે કહ્યું કે, સ્ટોકમાં 25થી 30 ટકાનું નુકસાન થયું હોવાથી વેપારીઓએ કાંદાનો ભાવ વધાર્યો છે. બે અઠવાડિયાં પહેલાં મુંબઈ જતા કાંદાના માલનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.1,600-1700 હતો.  
કાંદાના સ્ટોકને નુકસાન થવા બાબતે શંકા વ્યક્ત કરતાં હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટ્સ એસોસિયેશન (એચપીઈએ)ના પ્રેસિડેન્ટ અજિત શાહે કહ્યું કે, મારી જાણ પ્રમાણે કાંદાના સ્ટોકને નુકસાન થયું નથી. નૂર ભાડામાં વધારો અને કન્ટેનર્સની અછતને લીધે નિકાસ પણ ઘટશે. 
નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના આરપી ગુપ્તાએ કહ્યું કે આ વર્ષે નાસિકમાં વરસાદ વધુ પડ્યો હોવાથી સ્ટોકને નુકસાન થયું છે. જોકે કાંદાના ભાવ આ વર્ષે ઓછા છે અને ગત વર્ષની સરખામણીએ તે વધશે નહીં.  
પાકિસ્તાનમાં નવા પાકની આવક બજારમાં આવી છે અને આ વર્ષે આવક પણ વધુ છે. પરિણામે વૈશ્વિક સ્તરે ખરીદદારો નવા પાકને જ પ્રાધાન્ય આપશે. કાંદાના વૈશ્વિક બજારમાં ભારત અગ્રણી છે પરંતુ ગયા વર્ષે અને 2019માં ભારતીય કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ આવતાં વિદેશી ખરીદદારો અન્ય વિકલ્પો તરફ વળે છે. હાલમાં પાકિસ્તાનના કાંદાનો ભાવ પ્રતિ ટન 300 ડૉલર જ્યારે ભારતીય કાંદાનો 400 ડૉલર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer